
મહેસાણા, 27 જૂન (હિ.સ.) : બહુચરાજી પંથકના રામપુરાથી રાંતેજને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માર્ગની ખરાબ સ્થિતિને કારણે આ રૂટ પર દોડતી એસ.ટી. બસ સેવા બંધ થઈ જતાં રામપુરા, કાનપુરા, તેજપુરા અને રાંતેજ ગામના લોકોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રસ્તાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા અને બસ સેવા પુનઃ શરૂ કરવાની માંગ કરી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વર્ષોથી ખરાબ હાલતમાં રહેલા માર્ગનું કામ મંજૂર થયા બાદ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરે દોઢ મહિનાથી કામ અધૂરું છોડીને બંધ કરી દીધું છે. હાલ રસ્તા પર ડામરનું નામનિશાન નથી અને મોટા ખાડા તેમજ કપચીઓને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસું નજીક હોવાથી પાણી ભરાવાથી સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
બસ સેવા બંધ થતાં બેચરાજી અને ચાણસ્મા તરફ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને સૌથી વધુ હાલાકી પડી રહી છે. મરતોલીની કિસાન વિદ્યાલય દ્વારા પણ બસ સેવા પુનઃ શરૂ કરવા એસ.ટી. વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનોએ ચેતવણી આપી છે કે જો ચોમાસા પહેલાં રસ્તાનું કામ પૂર્ણ કરી બસ સેવા શરૂ નહીં કરવામાં આવે તો ચારેય ગામના લોકો ચક્કાજામ અને ઉગ્ર આંદોલન કરશે, જેની જવાબદારી વહીવટી તંત્રની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR