
- કાર ઓવરટેક કરી બાઇક પર આવેલા બે શખસોએ ખભા પર ગોળી મારી
વડોદરા, 27 જૂન (હિ.સ.) : ગત મોડી રાત્રે વડોદરામાં ગારમેન્ટના વેપારી પર ફાયરિંગની ઘટના સામે આવી. વડોદરા શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ગત મોડી રાત્રે ગારમેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઈક સવાર શખસોએ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી.
આ બનવામાં કાર ચાલક યુવકને ખભાના ભાગે ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વાઘોડિયા ચોકડી પાસે આશિષકુમાર નામના વેપારીને રોકીને હુમલાખોરોએ તેના ખભામાં ગોળી મારી હતી. ગંભીર ઇજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. હુમલાખોરો ઘટના અંજામ આપી તરત જ ફરાર થઈ ગયા હતા. ગંભીર યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. ઘટનાને લઈ વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ તેમજ એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા છે. ઇજાગ્રસ્ત વેપારીની ઓળખ આશિષકુમાર બાકોલિયા હનુમાનપુરા, વડોદરા તરીકે થઈ છે.
ડીવાયએસપીએ જણાવ્યું કે વાઘોડિયા ચોકડી પાસે એક ભાઈ કાર લઈને જતા હતા ત્યારે બે શખસો આવી ઓવરટેક કરી તેઓની ઉપર ફાયરિંગ કર્યું હતું.
આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ પુરાવાઓના આધારે હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. ફાયરિંગ પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ