
અમદાવાદ,27 જૂન (હિ.સ.) રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે આગાહી કરવામાં આવી છે. જૂન મહિનો પૂરો થઈ ગયો છે અને મોટાભાગના ગુજરાતમાં ધરા કોરીધાકોર છે.છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદામાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેથી સાગબારા દેડિયાપાડા વિસ્તારની જંગલ વિસ્તારની નદીઓમાં પૂર આવ્યું હતું.
આગામી 2 જુલાઈ સુધી ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે 27 જૂન અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
નર્મદાના સાગબારા દેડિયાપાડા વિસ્તારમાં બે દિવસથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. ભારે વરસાદ પડતા જંગલ વિસ્તારની નદી ખાડીઓમાં પૂરની પરિસ્થિતિ હજુપણ યથાવત હોય આ પાણીના વહેણથી રસ્તાઓનું ધોવાણ થતા 108ને પણ ગામડા સુધી જવું મુશ્કેલ બની રહ્યું છે.
ઉત્તર ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું છે અને આગામી ત્રણથી ચાર દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર્રમાં છૂટાછવાયા વરસાદ નોંધાયો હતો, જ્યારે કચ્છમાં વાતાવરણ સૂકું રહ્યું હતું. રાજ્યના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે.
છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગાવમાં સૌથી વધુ 12 મિમી જેટલો હળવો વરસાદ નોંધાયો છે. તાપમાનની દૃષ્ટિએ છેલ્લા 24 કલાકમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી અને આગામી સાત દિવસ સુધી પણ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ આવવાની શક્યતા નથી.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 10 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના ઉંમરગામ અને કચ્છના રાપર તાલુકામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જૂનાગઢના ભેંસાણ, મહીસાગરના ગોધર, વલસાડ અને નર્મદાના સાગબારા તાલુકામાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ