
અમદાવાદ,27 જૂન (હિ.સ.) રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે આગાહી કરવામાં આવી છે. જૂન મહિનો પૂરો થઈ ગયો છે અને મોટાભાગના ગુજરાતમાં ધરા કોરીધાકોર છે.છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદામાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેથી સાગબારા દેડિયાપાડા વિસ્તારની જંગલ વિસ્તારની નદીઓમાં પૂર આવ્યું હતું.
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી તો 4 દિવસ પહેલા 24 જૂને થઈ ચૂકી છે. પરંતુ હજુ પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી નથી. એટલે કે આજે 27 જૂન સુધીમાં રાજ્યના 54 તાલુકા એવા છે કે જ્યાં હજુ વરસાદ નોંધાયો જ નથી.
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 177 તાલુકા એવા છે કે જ્યાં બે ઈંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે.
જ્યારે 28 તાલુકામાં બેથી પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત તેમજ દેશના અન્ય કેટલાક રાજ્યોમાં વધુ આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિ છે. આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર્રના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં મોટાભાગે સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ