
પોરબંદર, 28 જૂન (હિ.સ.)પોરબંદરના માછીમારો માટે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.ભારત સરકાર દ્વારા ઊંડા દરિયામાં માછીમારી માટે નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે, જેના હેઠળ હવે દરિયાકાંઠાથી 12 નોટિકલ માઇલ બાદ આવેલા એક્સક્લૂસિવ ઈકોનોમિક ઝોન (EEZ) વિસ્તારમાં માછીમારી કરવા માટે “એક્સેસ પાસ” ફરજિયાત બનાવવામાં આવ્યો છે.આ નવા નિયમોની જાણકારી અને જાગૃતિ લાવવા માટે પોરબંદર બોટ એસોસિએશન ખાતે ફિશરી સર્વે ઓફ ઇન્ડિયા (મુંબઈ બેઝ) દ્વારા વિશેષ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ફિશરી સર્વે ઑફ ઈન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે એક્સેસ પાસ વગર EEZ વિસ્તારમાં માછીમારી કરવી કાયદેસર ગુનો ગણાશે અને નિયમનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. તેથી તમામ માછીમારોએ સમયસર એક્સેસ પાસ મેળવી લેવાની અપીલ કરવામાં આવી હતી.અધિકારીઓએ માછીમારોને એક્સેસ પાસ મેળવવાની અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને નિયમોની વિગતવાર માહિતી આપી હતી. ઉપરાંત દરિયામાં માછીમારી દરમિયાન લાઈફ સેવિંગ સાધનોનો ઉપયોગ, સુરક્ષા નિયમોનું પાલન અને સરકારની માર્ગદર્શિકા મુજબ જ કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં માછીમારોના પ્રશ્નોના જવાબ આપી તેમની વિવિધ શંકાઓનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા નિયમોનો હેતુ દરિયાઈ સંસાધનોનું સંરક્ષણ, માછીમારોની સુરક્ષા અને ઊંડા દરિયામાં માછીમારીની વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya