



અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને, ત્વરિત સારવાર અપાવી જીવ બચાવ્યો
એમ્બ્યુલન્સમાં ઘાયલને સુરક્ષિત રીતે, હોસ્પિટલ ખસેડવાની કામગીરીમાં સક્રિય સહયોગ આપ્યો
ભરૂચ 28 જૂન (હિ.સ.) ભરૂચની સ્થાનિક કાર્યાલય સરકારી કર્મચારીઓની સમાજ પ્રત્યેની જવાબદારી અને સેવાની એક ઉત્કૃષ્ટ મિસાલ તાજેતરમાં જોવા મળી છે. અકસ્માત જેવી ગંભીર અને કટોકટીભરી પરિસ્થિતિમાં એક આરટીઓ ઇન્સ્પેક્ટરે દાખવેલી ત્વરિત નિર્ણયશક્તિ અને માનવતાભર્યા અભિગમને કારણે એક માનવજીવન બચાવવામાં સફળતા મળી છે, જેની સ્થાનિક લોકો દ્વારા વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
ઘટનાની વિગત મુજબ, મુલેજ ચોકડી નજીક ચેકિંગ ડ્યુટી દરમિયાન માર્ગ અકસ્માતની ઘટના નજરે પડતાં વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિની જાણકારી મેળવી હતી.એક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે હાજર આરટીઓ ઇન્સ્પેક્ટર જે.આર. રાઠોડે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અત્યંત પ્રશંસનીય સમયસૂચકતા દાખવી હતી.
ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં જ યોગ્ય અને સમયસર સારવાર મળી રહે તે હેતુથી તેમણે તાત્કાલિક '112 ઇમરજન્સી સેવા'નો સંપર્ક કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી.
એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પણ ઇન્સ્પેક્ટર રાઠોડની ફરજનિષ્ઠા અટકી ન હતી. તેમણે ઘાયલ વ્યક્તિને અત્યંત સુરક્ષિત રીતે, એમ્બ્યુલન્સમાં બેસાડી હોસ્પિટલ ખસેડવાની સમગ્ર કામગીરીમાં સક્રિયપણે સહયોગ આપ્યો હતો અને પોતાની ફરજની સાથે સાથે માનવધર્મ પણ નિભાવ્યો હતો.
આરટીઓ ઇન્સ્પેક્ટર જે.આર. રાઠોડની આ ત્વરિત કામગીરી, ફરજનિષ્ઠા અને સંવેદનશીલતાને સ્થાનિક પ્રજા તથા પ્રત્યક્ષદર્શીઓએ બિરદાવી હતી. કટોકટીના સમયે સરકારી વહીવટી તંત્રના એક જવાબદાર અધિકારી દ્વારા લેવાયેલો આ સરાહનીય નિર્ણય અન્ય સરકારી કર્મચારીઓ માટે સમાજ પ્રત્યેની જવાબદારી અને સેવાભાવનું એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ