
છોટાઉદેપુર , 28 જૂન (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત પાવીજેતપુર પોલીસે એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. રાણાના નેતૃત્વમાં પાવીજેતપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફરાર આરોપીઓની શોધખોળમાં કાર્યરત હતો.
તે દરમિયાન બાતમી મળી હતી કે પાવીજેતપુર પોલીસ સ્ટેશન બી-પાર્ટ ગુનો રજિસ્ટર નં. ૧૧૧૮૪૦૦૩૨૫૦૯૨૪/૨૦૨૫ હેઠળ એન.ડી.પી.એસ. મુજબના ગુનામાં ફરાર આરોપી ફઝલું મન્સુર મન્સુરી (ઉં.વ. આશરે ૬૨ વર્ષ), રહે. જયહિન્દનગર, ગાયબેડા મહોલ્લા, તા. અંજડ, જી. બડવાની (મધ્યપ્રદેશ) અંજડ ખાતે પોતાના એક રહેઠાણમાંથી બીજા રહેઠાણે જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
બાતમીના આધારે તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે મધ્યપ્રદેશના અંજડ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યાં આરોપી ઘરની બહાર મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાની ઓળખ ફઝલું મન્સુર મન્સુરી તરીકે આપી હતી. વધુ તપાસમાં તે પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ.ના ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે આરોપીની ધરપકડ કરી તેને પાવીજેતપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાવીજેતપુર પોલીસે, નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ