કદવાલમાં ‘બાર મહિને બાવો બોલ્યો’ જેવો ઘાટ: રોજ સેંકડો ઓવરલોડ હાઈવા દોડવા છતાં, મામલતદારે પહેલીવાર માંડ ત્રણ વાહનો પકડ્યા!
છોટાઉદેપુર , 28 જૂન (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના નવનિર્મિત કદવાલ તાલુકામાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર અને ઓવરલોડ રેતીની હેરાફેરી સામે આખરે સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ ઉડી છે. જોકે, આ કાર્યવાહી જોઈને સ્થાનિક લોકમુખે એક જ ચર્ચા છે કે, બાર મહિને
ખનીજ


છોટાઉદેપુર , 28 જૂન (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના નવનિર્મિત કદવાલ તાલુકામાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર અને ઓવરલોડ રેતીની હેરાફેરી સામે આખરે સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ ઉડી છે. જોકે, આ કાર્યવાહી જોઈને સ્થાનિક લોકમુખે એક જ ચર્ચા છે કે, બાર મહિને બાવો બોલ્યો!. રોજબરોજ તંત્રની નાક નીચેથી અસંખ્ય ઓવરલોડ હાઈવા અને ટ્રેક્ટરો બેરોકટોક પસાર થતા હોવા છતાં, કદવાલ મામલતદારે અત્યાર સુધી શૂન્ય કાર્યવાહી રાખ્યા બાદ પહેલીવાર માત્ર બે ટ્રક અને એક ટ્રેક્ટર જપ્ત કરીને સંતોષ માન્યો છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ડુંગરવાંટ પંથકની નદીઓમાંથી રાત-દિવસ ગેરકાયદેસર અને ક્ષમતા કરતાં વધુ રેતી ભરીને ભારેખમ વાહનો સરકારી માર્ગોને તોડી રહ્યા છે. આ માફિયાઓ સામે અવારનવાર રજૂઆતો કરવા છતાં મામલતદાર કચેરીની કામગીરી અત્યાર સુધી અત્યંત ઢીલી અને શંકાસ્પદ રહી હતી. ગઈ રાત્રે મામલતદારે અચાનક ડુંગરાવાંટ ચોકડી ખાતેથી ઓવરલોડ રેતી ભરેલી બે ટ્રક અને એક ટ્રેક્ટર પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લોકોમાં આક્રોશ એટલા માટે વધારે છે. કારણ કે, હજુ માંડ બે મહિના પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે સ્થાનિક પ્રજાની સુવિધા માટે નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. પરંતુ, ચોવીસ કલાક ક્ષમતા કરતાં વધુ રેતી ભરીને નીકળતી ભારેખમ ટ્રકો અને હાઈવાઓએ આ નવા નકોર રસ્તાઓનો કચ્ચરઘાણ વાળી દીધો છે. માત્ર બે જ મહિનામાં કરોડોના ખર્ચે બનેલા રોડ બિસ્માર બની ગયા છે અને તેમાં મોટા ખાડા પડી ગયા છે.

આ ખરાબ રસ્તાઓ અને રેતી માફિયાઓની બેફામ સ્પીડના કારણે વિસ્તારમાં અકસ્માતોની સંખ્યામાં ભયજનક વધારો થયો છે. વાહનચાલકો અને રાહદારીઓ માટે રસ્તા પરથી પસાર થવું જીવનું જોખમ ખેડવા બરાબર બની ગયું છે. વારંવાર અકસ્માતો થતા હોવા છતાં અત્યાર સુધી મામલતદાર કચેરી આંખ આડા કાન કરીને બેઠી હતી. ગઈકાલની આ પહેલી કાર્યવાહી માત્ર દેખાડો કરવા ખાતર કે ભીનું સંકેલવા માટે થઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જનતા હવે સવાલ ઉઠાવી રહી છે કે, જો મામલતદાર ખરેખર એક્શન મોડમાં હોય, તો રોજબરોજ રસ્તા તોડતા અને અકસ્માત સર્જતા અસંખ્ય વાહનો સામે કાયમી ધોરણે કડક ઝુંબેશ કેમ ચલાવવામાં આવતી નથી?

આ વિસ્તારમાં દિવસ રાત કરોડો રૂપિયાની રેતી ચોરી અને ઓવરલોડિંગનું મોટું નેટવર્ક કાર્યરત છે, જેની સામે તંત્રની આ કામગીરી ઊંટના મોંમાં જીરા સમાન છે.

પંથકના જાગૃત નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે, માત્ર દેખાડો કરવા ખાતર જ આ પહેલી અને નાની કાર્યવાહી કરવામાં આવી છે. જો મામલતદાર ખરેખર કડક હોય તો રોજ દોડતા અસંખ્ય હાઈવા સામે કાયમી ધોરણે કેમ લાલ આંખ કરતા નથી? આ ઢીલી નીતિ વચ્ચે ગઈકાલની એકમાત્ર કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande