
ભાવનગર, 28 જૂન (હિ.સ.)ભાવનગર શહેરમાં પ્રોહિબિશન કાયદાના અસરકારક અમલ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે જ અંતર્ગત એલસીબી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘોઘા રોડ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો તથા એક કાર મળી કુલ રૂ. 2,41,680નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, એલસીબી પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, અર્જુન રણજીતભાઈ મકવાણા, રહે. રાજારામના અવેડાવાળા ખાંચા, મેલડી માતાના મંદિર પાસે, ઘોઘા રોડ, પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી ગ્રે રંગની મારુતિ સુઝુકી ઇકો કાર (રજી. નં. GJ-04-DN-3844) મારફતે હેરફેર કરતો હતો.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં 'ફોર સેલ ઇન પંજાબ તથા રાજસ્થાન ઓન્લી' લખેલી કંપની સીલપેક દારૂની કુલ 432 નાની-મોટી બોટલો મળી આવી હતી. જેમાં રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હિસ્કીની 48 બોટલો, રોયલ સ્ટેગ એક્સક્વિઝિટ વ્હિસ્કીની 288 બોટલો તેમજ ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હિસ્કીની 96 બોટલોનો સમાવેશ થાય છે. દારૂની કિંમત રૂ. 91,680 અને ઇકો કારની કિંમત રૂ. 1,50,000 મળીને કુલ રૂ. 2,41,680નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી અર્જુન રણજીતભાઈ મકવાણા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે. એલસીબી દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA