મહેસાણામાં ખાનગી પ્લોટોની સફાઈનો બોજ મનપા પર, એકસરખી દંડની નીતિની માંગ
મહેસાણા, 28 જૂન (હિ.સ.)શહેરમાં ખાનગી માલિકીના બિનઉપયોગી પ્લોટો ગંદકી અને કચરાના અડ્ડા બનતા જઈ રહ્યા છે. પરિણામે તેમની સફાઈનો બોજ મહાનગરપાલિકા પર આવી રહ્યો છે. તાજેતરમાં યુજીવીસીએલ રોડ પર કે.કે. હાઈસ્કૂલ સામે આવેલા તાર ફેન્સિંગવાળા ખાનગી પ્લોટમાં પ્
મહેસાણામાં ખાનગી પ્લોટોની સફાઈનો બોજ મનપા પર, એકસરખી દંડની નીતિની માંગ


મહેસાણા, 28 જૂન (હિ.સ.)શહેરમાં ખાનગી માલિકીના બિનઉપયોગી પ્લોટો ગંદકી અને કચરાના અડ્ડા બનતા જઈ રહ્યા છે. પરિણામે તેમની સફાઈનો બોજ મહાનગરપાલિકા પર આવી રહ્યો છે. તાજેતરમાં યુજીવીસીએલ રોડ પર કે.કે. હાઈસ્કૂલ સામે આવેલા તાર ફેન્સિંગવાળા ખાનગી પ્લોટમાં પ્લાસ્ટિક સહિતનો કચરો ભરાઈ જતાં મનપાની ટીમે સફાઈ કામગીરી હાથ ધરી હતી.

સફાઈ કર્મચારીઓના જણાવ્યા મુજબ, અગાઉ આ જ પ્લોટની સફાઈ માટે ₹10 હજારનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે આ વખતે કોઈ ચાર્જ વસૂલવાની સૂચના આપવામાં આવી નથી. આ મુદ્દે મનપાની કાર્યવાહી અંગે સવાલો ઊભા થયા છે.

શહેરના નાગલપુર વિકાસનગર, પરા જહુ માતા મંદિર પાછળનો વિસ્તાર, ટીબી રોડ, અમરપરા ચોકડી અને ગાંધીનગર લિંક રોડ સહિતના વિસ્તારોમાં અનેક ખાનગી પ્લોટોમાં પ્લાસ્ટિક, બાંધકામનો કચરો અને અન્ય ઘન કચરાના ઢગલા જોવા મળે છે. ચોમાસામાં આવા પ્લોટોમાં પાણી ભરાવા, મચ્છરોનો ઉપદ્રવ વધવા અને દુર્ગંધ ફેલાવાની સમસ્યા સર્જાતી હોવાથી સ્થાનિક રહીશો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

સ્થાનિક રહીશ કીર્તિભાઈ પટેલે મનપાને ખાનગી પ્લોટોની સફાઈ માટે એકસરખી અને પારદર્શક દંડની નીતિ અમલમાં મૂકવાની માંગ કરી છે, જેથી સફાઈનો ખર્ચ જવાબદાર પ્લોટ માલિકો પાસેથી જ વસૂલવામાં આવે અને જાહેર નાણાંનો બિનજરૂરી ખર્ચ અટકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande