
નવી દિલ્હી, 28 જૂન (હિ.સ.) નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (ડીજીસીએ) એ કાનપુરના ચકેરી હવાઈઅડ્ડા પર, તાલીમ ઉડાન દરમિયાન બનેલી દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે. કેસમાં સંબંધિત ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટરને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી, ઉડાન તાલીમ સંબંધિત જવાબદારીઓમાંથી હટાવી દેવામાં આવ્યા છે, જ્યારે ઘટનામાં સામેલ વિમાનના સંચાલન પર રોક લગાવી દેવામાં આવી છે.
ડીજીસીએએ રવિવારે જણાવ્યું કે, 26 જૂને ગર્ગ એવિએશનના ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (એફટીઓ)નું ટ્વિન એન્જિન, ટેક્નમ પી2006ટી વિમાન (વીટી-એનબીવી) ચકેરી હવાઈઅડ્ડા પર રાત્રિકાલીન તાલીમ ઉડાનમાં લાગેલું હતું. વિમાનમાં એક ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર અને એક કેડેટ પાઇલટ સવાર હતા. વિમાન ઉતર્યા બાદ પ્રશિક્ષુ પાઇલટ એન્જિન ચાલુ રહેવા દરમિયાન વિમાનમાંથી ઊતરી ગઈ. આ દરમિયાન તે વિમાનના પ્રોપેલરની ચપેટમાં આવી ગઈ, જેના કારણે તેની પીઠમાં ઇજાઓ થઈ. ઇજાગ્રસ્ત કેડેટને કાનપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
ડીજીસીએએ જણાવ્યું કે, ઘટનાની પરિસ્થિતિઓ, સલામતી પ્રક્રિયાઓનું પાલન અને સંબંધિત જવાબદારીઓની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થા સુધી સંબંધિત ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટરને તાલીમ ઉડાનોમાંથી અલગ કરી દેવામાં આવ્યા છે.
ડીજીસીએએ સૂચના આપી છે કે, ઘટનામાં સામેલ વિમાનનો ઉપયોગ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી નહીં કરવામાં આવે. ડીજીસીએ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે અને તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ