
કચ્છ, 28 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલા અભિયાન દરમિયાન, એસ.ઓ.જી. ગાંધીધામની ટીમે આજે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. ભચાઉ તાલુકાના કંથકોટ ગામના એક યુવક પાસેથી પાસ-પરમિટ વિના રાખવામાં આવેલી હાથ બનાવટની દેશી બંદૂક જપ્ત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટે વિશેષ ડ્રાઇવ ચાલી રહી છે.
આ અભિયાન અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમ ભચાઉ અને સામખિયારી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે કંથકોટ ગામનો એક યુવક પોતાની પાસે ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર રાખીને ફરી રહ્યો છે.
મળેલી બાતમીના આધારે પોલીસે કકરવા ગામથી કંથકોટ જવાના માર્ગ પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ વ્યક્તિને રોકીને તપાસ કરવામાં આવતા તેની પાસેથી હાથ બનાવટની એક દેશી બંદૂક મળી આવી હતી. તપાસ દરમિયાન તે બંદૂક રાખવા માટે કોઈપણ પ્રકારનો કાયદેસર પાસ કે પરમિટ રજૂ કરી શક્યો નહોતો.
પકડાયેલા આરોપીની ઓળખ મહાવીર હરઘોળભાઈ સંઘાર (ઉંમર ૨૦ વર્ષ, વ્યવસાય મજૂરી, રહે. કંથકોટ, તા. ભચાઉ) તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી અંદાજિત રૂ. ૫,૦૦૦ કિંમતની એક હાથ બનાવટની દેશી બંદૂક કબજે કરી છે.
આ બનાવ અંગે સામખિયારી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)(A) તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ એએસઆઈ વિરેન્દ્ર રતનલાલ, એએસઆઈ વનરાજસિંહ જુવાનસિંહ, એએસઆઈ અશોકકુમાર જુમાભાઈ, એએસઆઈ આશિષકુમાર મહેન્દ્રરાય તેમજ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ખીમજીભાઈ અને સુનીલકુમાર રામજીભાઈની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar