પોરબંદરમાં વિકાસ કાર્યોના સ્થળે QR Code સાથે Project Information Board ફરજિયાત.
પોરબંદર, 28 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શહેરમાં અનેકવિધ વિકાસના કાર્યો કાર્યરત છે. વિકાસ કાર્યોની ગુણવત્તા જળવાઈ રહે, કામગીરી સમયસર પૂર્ણ થાય અને કામમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે મેયરશ્રી દ્વારા સમય
પોરબંદરમાં વિકાસ કાર્યોના સ્થળે QR Code સાથે Project Information Board ફરજિયાત.


પોરબંદર, 28 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શહેરમાં અનેકવિધ વિકાસના કાર્યો કાર્યરત છે. વિકાસ કાર્યોની ગુણવત્તા જળવાઈ રહે, કામગીરી સમયસર પૂર્ણ થાય અને કામમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે મેયરશ્રી દ્વારા સમયાંતરે વિવિધ પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. શહેરના વિકાસ કાર્યોમાં વધુ પારદર્શિતા, જવાબદારી અને જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી દ્વારા એક મહત્વપૂર્ણ અને લોકહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત હવે શહેરમાં ચાલી રહેલા તેમજ ભવિષ્યમાં શરૂ થનારા તમામ વિકાસ કાર્યોના સ્થળે QR Code સાથે Project Information Board ફરજિયાત મૂકવામાં આવશે. મેયર સાગરભાઈ મોદીએ જણાવ્યું હતું કે શહેરમાં હાલમાં જ્યાં-જ્યાં વિકાસના કામો ચાલી રહ્યા છે ત્યાં આગામી સાત દિવસની અંદર Project Information Board લગાવવા માટે સંબંધિત અધિકારી અને કોન્ટ્રાક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે. ઉપરાંત ભવિષ્યમાં શરૂ થનારા તમામ નવા વિકાસ કાર્યોમાં Project Information Board લગાવ્યા બાદ જ કામ શરૂ કરવાની ફરજિયાત જોગવાઈ કરવામાં આવી છે. આ બોર્ડ QR Code સાથેનું હશે, જેના માધ્યમથી કોઈપણ નાગરિક પોતાના મોબાઇલ ફોનમાં QR Code સ્કેન કરીને સંબંધિત પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકશે. આ નવી વ્યવસ્થા હેઠળ નાગરિકોને પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ, વર્ક ઓર્ડરની વિગતો, કામગીરીની શરૂઆત અને પૂર્ણતાની તારીખ, નિર્ધારિત સમયમર્યાદા, કામની હાલની પ્રગતિ, કોન્ટ્રાક્ટરની વિગતો, ઉપયોગમાં લેવાતા મટીરિયલની માહિતી, ગુણવત્તાના ધોરણો તેમજ અન્ય જરૂરી વિગતો પોતાના મોબાઇલમાં જ ઉપલબ્ધ થશે. પરિણામે વિકાસ કાર્યો અંગેની માહિતી જાહેર જનતા સુધી સીધી પહોંચશે અને કામગીરી વધુ પારદર્શક તથા જવાબદાર બનશે. મેયરએ વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર મહાનગરપાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘પારદર્શક વહીવટ અને જવાબદાર વિકાસ’ છે. QR Code આધારિત આ પહેલ દ્વારા નાગરિકો માત્ર માહિતી પ્રાપ્ત જ નહીં કરે પરંતુ વિકાસ કાર્યોની દેખરેખમાં પણ સહભાગી બની શકશે. આથી કામગીરીની ગુણવત્તા જાળવવામાં મદદ મળશે, સમયમર્યાદાનું પાલન વધુ સુનિશ્ચિત બનશે અને નાગરિકોનો મહાનગરપાલિકા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande