
ભાવનગર, 28 જૂન (હિ.સ.)રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત ગઢડા તાલુકાના ઢસા ગામમાં આયુષ્માન આરોગ્ય મંદિર, ઢસા ગામ-1 ખાતે પોલિયો રવિવાર નિમિત્તે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લોકપ્રતિનિધિઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી અભિયાનનો પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મમતાબેન કલ્પેશભાઈ પાવરા, કલ્પેશભાઈ પાવરા, ગામના સરપંચ મુકેશભાઈ રાજપરા, તાલુકા પંચાયત સદસ્ય નિલેશભાઈ મેઘાણી, શાળાના આચાર્ય હરદેવસિંહ સિંધવ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ 0થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના ટીપાં પીવડાવી અભિયાનને પ્રારંભ કરાવ્યો અને આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી હતી.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના MPHW ધાંધલ્યા હાર્દિકભાઈ, FHW ચૂડેસરા રેશ્માબેન, આશા ફેસિલિટેટર (FASHA) તેમજ આશા વર્કરોએ સક્રિય ભૂમિકા ભજવી હતી.
તેમણે વાલીઓને પોલિયો જેવી ગંભીર બીમારીથી બાળકોને સુરક્ષિત રાખવા માટે દરેક રાઉન્ડમાં પોલિયોના ટીપાં પીવડાવવાનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ ગામના તમામ 0થી 5 વર્ષના બાળકો સુધી રસીકરણની સેવા પહોંચે તે માટે જરૂરી આયોજન પણ કરવામાં આવ્યું હતું.
વક્તાઓએ જણાવ્યું હતું કે, પોલિયો જેવી ગંભીર બીમારીને દેશમાંથી સંપૂર્ણપણે નાબૂદ રાખવા માટે દરેક બાળક સુધી પોલિયોની રસી પહોંચે તે અત્યંત જરૂરી છે. કોઈપણ બાળક પોલિયોના ટીપાંથી વંચિત ન રહે તે માટે તમામ વાલીઓએ આરોગ્ય વિભાગને સહકાર આપવો જોઈએ.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ **'પોલિયો મુક્ત ભારત'**ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો અને આરોગ્ય વિભાગના પલ્સ પોલિયો અભિયાનમાં સક્રિય સહભાગી બની દરેક બાળકને પોલિયોના ટીપાં પીવડાવવા અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA