



પોરબંદર, 28 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગને પોરબંદર ચોપાટી ખાતે દરિયામાં ત્રણ વ્યક્તિઓ ડૂબી રહ્યા હોવાનો કોલ મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
સ્થાનિક પીલાણા એસોસિએશનની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને ફાયર વિભાગના બે જવાનો ડૂબી રહેલ ને બચાવવા માટે દરિયામાં પડ્યા હતા. જોકે સ્થળ પર તપાસ દરમિયાન સંબંધિત ત્રણેય વ્યક્તિઓએ જણાવ્યું હતું કે, તેઓ ડૂબી રહ્યા ન હતા, પરંતુ દરિયામાં સ્વિમિંગ માટે ઉતર્યા હતા. જેથી કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ ન હોવાનું સ્પષ્ટ થયું હતું.
ઘટનાની જાણ થતાં મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, પરિસ્થિતિની માહિતી મેળવી હતી. આ સમગ્ર ઘટનામાં પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગની ઝડપી અને સતર્ક કામગીરી જોવા મળી હતી, જેના કારણે સંભવિત અકસ્માત અંગે તાત્કાલિક કાર્યવાહી શક્ય બની હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya