



પોરબંદર, 28 જૂન (હિ.સ.)કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ–2026 અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખંભાળા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લઈ વિદ્યાલયની શૈક્ષણિક અને રહેણાંક વ્યવસ્થાની રૂબરૂ મુલાકાત લઈ વિસ્તૃત સમીક્ષા કરી હતી.
મંત્રીએ વિદ્યાલયના વર્ગખંડો, હોસ્ટેલ, ભોજનાલય, રસોડું, સ્વચ્છતા વ્યવસ્થા તેમજ સુરક્ષા સહિતની વિવિધ સુવિધાઓનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિદ્યાલયના સંચાલકો અને શિક્ષકો પાસેથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓની હાજરી, અભ્યાસની ગુણવત્તા તથા વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
તેમણે દીકરીઓના અભ્યાસ, દૈનિક જીવન, હોસ્ટેલમાં મળતી સુવિધાઓ, ભોજનની ગુણવત્તા તેમજ ભવિષ્યના તેમના સપનાઓ વિશે જાણકારી મેળવી હતી. મંત્રીએ દીકરીઓને મન લગાવી અભ્યાસ કરવા, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને જીવનમાં ઊંચા લક્ષ્યાંકો નક્કી કરીને તેને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દીકરીઓને શિક્ષણની સાથે સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. શિક્ષણ માત્ર જ્ઞાન પૂરું પાડતું નથી, પરંતુ દીકરીઓને આત્મનિર્ભર, સશક્ત અને જવાબદાર નાગરિક તરીકે ઘડવાનું કાર્ય પણ કરે છે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર સહિત સ્થાનિક અગ્રણીઓ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય ખંભાળાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya