
સુરત, 28 જૂન (હિ.સ.): સુરતના કાપોદ્રા વિસ્તારમાં રવિવારે એક મોંઘીદાટ ઇલેક્ટ્રિક કારના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચીકુવાડી ચાર રસ્તા નજીક પૂરઝડપે દોડી રહેલી કાર રોડની બાજુમાં આવેલી BRTSની લોખંડની રેલિંગ સાથે જોરદાર અથડાઈ હતી અને રેલિંગ તોડીને સીધી BRTS ટ્રેકમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
ટક્કરની અસર એટલી પ્રચંડ હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને રેલિંગના ટુકડા ઉડી ગયા હતા. ઘટના સમયે BRTS ટ્રેક પર કોઈ બસ પસાર થઈ રહી ન હોવાથી તેમજ નજીકમાં રાહદારીઓ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો તે સમયે બસ અથવા અન્ય વાહન ત્યાં હોત તો જાનમાલનું ભારે નુકસાન થઈ શકતું હતું.
અકસ્માતની જાણ થતાં કાપોદ્રા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત કારને હટાવી ટ્રાફિક વ્યવસ્થિત કરવામાં આવ્યો હતો. પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના ગુનામાં કાર્યવાહી શરૂ કરી છે. ઉપરાંત, અકસ્માત સમયે કાર ચાલક નશાની હાલતમાં હતો કે નહીં તે મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે