
નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.). ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં 13 જુલાઈ સુધીમાં ચોખ્ખો પ્રત્યક્ષ કર સંગ્રહ 16.40 ટકા વધીને 6.51 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો. આમાં કોર્પોરેટ કર સંગ્રહનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ સમયગાળામાં ચોખ્ખો કોર્પોરેટ કર સંગ્રહ 22 ટકા વધીને 2.40 લાખ કરોડ રૂપિયા થઈ ગયો. આ દરમિયાન કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ 16.11 ટકાના વધારા સાથે 7.73 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યો છે.
આવકવેરા વિભાગે મંગળવારે આંકડાઓ દ્વારા જણાવ્યું કે, બિન-કોર્પોરેટ કર (એનસીટી) માંથી મહેસૂલ સંગ્રહ લગભગ 12 ટકા વધીને 3.84 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યો છે. આ દરમિયાન સરકારે 1.22 લાખ કરોડ રૂપિયાના કર રિફંડ જારી કર્યા, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 14.57 ટકા વધુ છે. આવકવેરા વિભાગ મુજબ કુલ આધાર પર પ્રત્યક્ષ કર સંગ્રહ પણ 16.11 ટકા વધીને 7.73 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો. આમાં કોર્પોરેટ કરમાંથી આવક 3.35 લાખ કરોડ રૂપિયાથી વધુ અને બિન-કોર્પોરેટ કરમાંથી લગભગ 4.12 લાખ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.
આવકવેરા વિભાગે જણાવ્યું કે, 13 જુલાઈ સુધીમાં ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ પ્રત્યક્ષ કર (ડીટી) સંગ્રહ, રિફંડ અને ચોખ્ખા પ્રત્યક્ષ કર (ડીટી) સંગ્રહના આંકડા જારી કરવામાં આવ્યા છે. આ ડેટા આવકવેરા વિભાગની રાષ્ટ્રીય વેબસાઇટ પર આ લિંક પર ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટમાં 26.97 લાખ કરોડ રૂપિયાના પ્રત્યક્ષ કર સંગ્રહનું લક્ષ્ય રાખ્યું છે. આ નાણાકીય વર્ષ 2025-26માં એકત્ર કરાયેલા 23.40 લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં 15 ટકા વધુ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ