
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ઉત્પાદન ઇકોસિસ્ટમના વિકાસ માટે સેમિકોન 2.0 ને મંજૂરી આપી છે અને આ માટે કુલ 1.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે સેમિકોન 2.0 ને મંજૂરી આપી. મંત્રીમંડળના નિર્ણયોની જાણકારી આપતા રાષ્ટ્રીય મીડિયા કેન્દ્રમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, દેશમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રને સતત અને લાંબાગાળાના સમર્થનની જરૂરિયાતને ઓળખીને અને સેમિકોન 1.0 હેઠળ આવેલી ગતિને આગળ વધારવાના ઉદ્દેશ્યથી સેમિકોન 2.0 ને મંજૂરી આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય દેશને વિશ્વના સેમિકન્ડક્ટર નકશા પર સ્થાપિત કરવાની દિશામાં સરકારની પ્રતિબદ્ધતાને વધુ આગળ વધારવાનો છે.
સેમિકોન 2.0 હેઠળ ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે છ મુખ્ય સ્તંભો નક્કી કરવામાં આવ્યા છે. પહેલા સ્તંભમાં ચિપ ડિઝાઇનને પ્રોત્સાહન આપીને ભારતીય કંપનીઓને નવી ટેકનોલોજી અને બૌદ્ધિક સંપદા (આઈપી) વિકસાવવામાં મદદ કરવામાં આવશે. બીજા સ્તંભ હેઠળ ચિપ બનાવવામાં ઉપયોગી મશીનો, રસાયણો, ગેસ અને અન્ય સામગ્રીના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. ત્રીજા સ્તંભમાં દેશમાં વધુ સેમિકન્ડક્ટર ફેબ (ચિપ ઉત્પાદન પ્લાન્ટ) સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવશે.
ચોથા સ્તંભ હેઠળ ચિપ પેકેજિંગ અને પરીક્ષણ (એટીએમપી/ઓસેટ) ઉદ્યોગને મજબૂત કરવામાં આવશે. પાંચમા સ્તંભમાં દેશ-વિદેશની મુખ્ય સંસ્થાઓના સહયોગથી અદ્યતન ચિપ ટેકનોલોજી પર સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. છઠ્ઠા સ્તંભ હેઠળ યુનિવર્સિટીઓ અને ઉદ્યોગોના સહયોગથી વિદ્યાર્થીઓ અને ઇજનેરોને આધુનિક ટેકનોલોજીની તાલીમ આપીને કુશળ માનવ સંસાધન તૈયાર કરવામાં આવશે.
વૈષ્ણવે જણાવ્યું કે, આનાથી ભારતમાં સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ મજબૂત થશે, રોજગાર વધશે અને તકનીકી આત્મનિર્ભરતાને નવી ગતિ મળશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 12 ઉત્પાદન એકમોને 1.64 લાખ કરોડ રૂપિયાથી વધુના સંચિત રોકાણ સાથે મંજૂરી આપવામાં આવી છે. મંજૂર કરાયેલા 12 પ્રસ્તાવોમાંથી ત્રણ કંપનીઓ, માઇક્રોન, કેન્સ અને સીજી સેમીએ વ્યાપારી ઉત્પાદન શરૂ કરી દીધું છે અને અન્ય એક કંપની 2026 માં શરૂ થવાની અપેક્ષા છે. સ્ટાર્ટઅપ અને એમએસએમઇ માંથી ચોવીસ (24) સેમિકન્ડક્ટર ડિઝાઇન પ્રોજેક્ટ્સને નાણાકીય સહાય માટે મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 105 સ્ટાર્ટઅપ/એમએસએમઇ ને ઉદ્યોગ-માનક ઇલેક્ટ્રોનિક ડિઝાઇન ઓટોમેશન (ઇડીએ) ઉપકરણો સુધી પહોંચ પૂરી પાડવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ