
ભુવનેશ્વર, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). વિશ્વપ્રસિદ્ધ શ્રી જગન્નાથ રથયાત્રાના એક દિવસ પહેલા, બુધવારે શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (એસજીટીએ) એ, ભગવાન શ્રી જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના સાર્વજનિક દર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય રથયાત્રાની અંતિમ તૈયારીઓ અને પરંપરાગત અનુષ્ઠાનોના સુચારુ સંચાલનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આજે શ્રીમંદિર પરિસરમાં રથયાત્રા સંબંધિત મહત્વપૂર્ણ ધાર્મિક અનુષ્ઠાનો સંપન્ન કરવામાં આવશે. સવારે મંદિરની દૈનિક નીતિઓ હેઠળ ગોપાલ બલ્લભ અને સકાળ ધૂપની વિધિઓ સંપન્ન થઈ. આ પછી પરંપરાગત આજ્ઞામાળા બીજે અનુષ્ઠાન થશે, જેમાં ત્રણેય દેવતાઓની આજ્ઞામાળા સેવાયતો દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે રથો સુધી પહોંચાડવામાં આવશે.
આજ્ઞામાલા બીજે પછી ત્રણેય રથોને રથખળામાંથી ખેંચીને શ્રીમંદિરના સિંહદ્વાર સામે સ્થાપિત કરવામાં આવશે. પરંપરા અનુસાર સૌથી પહેલા ભગવાન શ્રી જગન્નાથનો નંદીઘોષ રથ, ત્યારબાદ દેવી સુભદ્રાનો દર્પદલન રથ અને અંતે ભગવાન બલભદ્રનો તાલધ્વજ રથ નિર્ધારિત સ્થાન પર લાવવામાં આવશે.
રથોની આ પરંપરાગત સ્થાપના રથયાત્રાની અંતિમ તૈયારી માનવામાં આવે છે. ગુરુવારે ભગવાન શ્રી જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા પોતપોતાના ભવ્ય રથો પર બિરાજમાન થઈને શ્રી ગુંડિચા મંદિર તરફ પ્રસ્થાન કરશે. આ ઐતિહાસિક અને ધાર્મિક મહાપર્વમાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ સામેલ થવાની સંભાવના છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીતા મહંતો / સત્યવાન
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ