ગુજરાતમાં બનશે ગ્રીનફિલ્ડ જહાજ નિર્માણ ક્લસ્ટર, વાડીનારમાં 1,570 કરોડના જહાજ રિપેરિંગ પ્રોજેક્ટને મંજૂરી
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). કેન્દ્ર સરકારે ભારતને વૈશ્વિક જહાજ નિર્માણ અને જહાજ રિપેરિંગ કેન્દ્ર બનાવવા માટે ગુજરાતના પોરબંદરમાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર તથા કચ્છના અખાતના વાડીનારમાં 1,570 કરોડ રૂપિયાની અત્યાધુનિક જહાજ રિપેરિંગ સુવિધાને સૈદ
કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ


નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). કેન્દ્ર સરકારે ભારતને વૈશ્વિક જહાજ નિર્માણ અને જહાજ રિપેરિંગ કેન્દ્ર બનાવવા માટે ગુજરાતના પોરબંદરમાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર તથા કચ્છના અખાતના વાડીનારમાં 1,570 કરોડ રૂપિયાની અત્યાધુનિક જહાજ રિપેરિંગ સુવિધાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. બંને પ્રોજેક્ટ્સને શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ (એસબીડીએસ) હેઠળ મંજૂરી મળી છે.

કેન્દ્રીય બંદર, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રાલયે બુધવારે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ્સ ‘મેરીટાઇમ અમૃતકાળ વિઝન-2047’ અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં ભારતના દરિયાઈ ક્ષેત્રમાં વ્યાપક બદલાવ આવ્યો છે અને હવે પછીનો તબક્કો દેશની જહાજ નિર્માણ અને જહાજ રિપેરિંગ ક્ષમતાને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે.

પોરબંદર જિલ્લાના કુછડી વિસ્તારમાં આશરે 2,000 એકર જમીન પર વિકસાવવામાં આવનાર ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર રાષ્ટ્રીય શિપબિલ્ડિંગ અને હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક-ગુજરાત (એનએસએચઆઈપી-ગુજરાત) દ્વારા સ્થાપિત કરવામાં આવશે. આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (એસપીવી) બંદર મંત્રાલય અને ગુજરાત મેરીટાઇમ બોર્ડની સંયુક્ત પહેલ છે. પ્રોજેક્ટમાં આધુનિક શિપયાર્ડ, સહાયક ઉત્પાદન એકમો, સામાન્ય માળખાકીય સુવિધાઓ અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો વિકસાવવામાં આવશે. તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 12 થી 15 લાખ ગ્રોસ ટનેજ (જીટી) હશે, જેનાથી મોટા વાણિજ્યિક જહાજોના નિર્માણમાં ભારતની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.

બીજા પ્રોજેક્ટ હેઠળ વાડીનારમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ (સીએસએલ) અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ડીપીએ) સંયુક્ત રીતે દેશની સૌથી મોટી જહાજ રિપેરિંગ સુવિધાઓમાંની એક વિકસાવશે. 1,570 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને પાત્ર મૂડીગત માળખાકીય સુવિધાઓ પર 25 ટકા નાણાકીય સહાય પણ મળશે. પ્રોજેક્ટમાં 650 મીટર લાંબી જેટી, બે મોટા ફ્લોટિંગ ડ્રાય ડોક, વર્કશોપ અને અન્ય દરિયાઈ માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે.

મંત્રાલય અનુસાર, વાડીનારની કુદરતી ઊંડાઈ, આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોની નજીકની સ્થિતિ અને મુંદ્રા તથા દીનદયાળ બંદર જેવા મુખ્ય બંદરોની નિકટતા તેને જહાજ રિપેરિંગ માટે આદર્શ કેન્દ્ર બનાવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી 300 મીટર સુધી લાંબા મોટા વાણિજ્યિક જહાજોનું રિપેરિંગ દેશમાં જ શક્ય બનશે, જેનાથી વિદેશી શિપયાર્ડ પરની નિર્ભરતા ઘટશે.

સોનોવાલે જણાવ્યું કે, બંને પ્રોજેક્ટ્સ દરિયાઈ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત કરશે, સ્થાનિક સપ્લાય ચેઇનને પ્રોત્સાહન આપશે અને મોટા પાયે રોજગારીનું સર્જન કરશે. તેમણે કહ્યું કે, સરકારની શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમનો ઉદ્દેશ્ય રોકાણ આકર્ષિત કરવું, સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવું અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારીને ભારતને વૈશ્વિક દરિયાઈ ઉદ્યોગમાં અગ્રણી બનાવવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande