
મહેસાણ, 16 જુલાઈ (હિ.સ.)
મહેસાણા તાલુકાના જગુદન ગામની સીમમાં આવેલા ONGCના GGSમાંથી કેબલ વાયરની ચોરી કરનાર બે આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) મહેસાણાએ ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 48 કિલો વજનના કોપર (તાંબા)ના વાયરના ગુચડા સહિત કુલ ₹38,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS) અને નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS)ના માર્ગદર્શન હેઠળ કેબલ ચોરીના ગુનાઓ અટકાવવા LCB દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ખાનગી બાતમીના આધારે રામપુરા ચોકડી પુલ નજીક દરોડો પાડતા બે શખ્સોને પ્લાસ્ટિકની ત્રણ કંતાનમાં કોપરના વાયરના ગુચડા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં રામાજી ગાભાજી વરવાજી ઠાકોર (ઉ.વ. 44) અને પ્રકાશજી બળદેવજી ગાભાજી ઠાકોર (ઉ.વ. 19), બંને રહે. સાંગણપુર, તા. જી. મહેસાણાનો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન બંનેએ પાંચ દિવસ અગાઉ જગુદન સ્થિત ONGCના GGSમાંથી કેબલ વાયરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
આ મામલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 303(2) હેઠળ નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR