

પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.)પોરબંદર સુદામાજી મંદિર સામે આવેલ શ્રી જગન્નાથજી મંદિરે અષાઢી બીજના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી પોરબંદરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ન નીકળતી હોવાથી આ વર્ષે ભગવાનને નિજ મંદિરમાં જ સુંદર રીતે શણગારેલા રથ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા, જ્યાંદિવસભર મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. સવારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિર ભાવિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને રથ પર બિરાજમાન ભગવાનના વિશેષ દર્શન યોજાયા હતા. દિવસભર ભક્તોની અવરજવર રહી હતી અને સમગ્ર મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. મંદિરના મહંત સંજયભાઈ ચંદ્રકાંતભાઈ રામાવતના માર્ગદર્શન હેઠળ સાંજે ભજન-કીર્તન અને રાત્રે 8:30 કલાકે ભગવાનની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી બાદ ઉપસ્થિત ભાવિકોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના ધાર્મિક મહત્વ અંગે જણાવવામાં આવ્યું હતું કે, જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાનને સુગંધિત જળથી સ્નાન કરાવ્યા બાદ તેઓ 15 દિવસ સુધી એકાંતવાસમાં રહે છે અને આ સમય દરમિયાન દર્શન બંધ રહે છે. અષાઢી બીજના દિવસે ભગવાન સ્વસ્થ થઈ ફરી ભક્તોને દર્શન આપે છે. આ દિવસ ભગવાન જગન્નાથજીના ભક્તો માટે વિશેષ આસ્થાનો દિવસ માનવામાં આવે છે. ગુજરાતમાં અષાઢી બીજને કચ્છી નવા વર્ષની શરૂઆત તરીકે પણ ઉજવવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya