
તેહરાન/વોશિંગ્ટન, નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). ઈરાનનો હોર્મુઝ જળસંધિ યુદ્ધના મેદાનમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અટકવાના કોઈ સંકેત હાલ દેખાતા નથી. અમેરિકી મધ્ય કમાન્ડ (સેન્ટકોમ) એ ઈરાન પર તાજા હુમલા કર્યા છે. ઈરાને દાવો કર્યો છે કે, હોર્મુઝ જળસંધિને અડીને આવેલા હોર્મોઝગાન પ્રાંતમાં શનિવારે સવારે થયેલા હુમલામાં ઓછામાં ઓછા ત્રણ નાગરિકો માર્યા ગયા છે અને આઠ અન્ય ઘાયલ થયા છે. સેન્ટકોમે આ દાવાને નકારી કાઢતા કહ્યું કે, બે તેલ ટેન્કર હોર્મુઝમાં માઈન્સ (બારુદી સુરંગો) સાથે અથડાયા. જેના કારણે વિસ્ફોટ થયો છે. ઈરાનની સેનાનું કહેવું છે કે, તેણે બહેરીન, જોર્ડન અને કુવૈતમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.
અલ જઝીરા, સીએનએન, ગલ્ફ ન્યૂઝ અને સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, તસ્નીમ સમાચાર એજન્સીએ ઈરાનની સેનાને ટાંકીને જણાવ્યું કે, કુવૈત અને જોર્ડનમાં અનેક અમેરિકી સૈન્ય માળખાકીય સુવિધાઓને નિશાન બનાવીને ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. ઈરાને ચેતવણી આપી કે તેના હુમલા વધુ તેજ બનશે. બંદર અબ્બાસના અધિકારીઓએ વીજળી સુવિધા કેન્દ્રો અને રેલવે સ્ટેશન પર થયેલા હુમલાઓની જાણકારી આપી છે. આ સંઘર્ષથી ખાડી ક્ષેત્રમાં પણ તણાવ વધી ગયો છે. કતરે કહ્યું કે, તેણે દોહા નજીક એક મિસાઈલ હુમલાને રોક્યો. કતરે તે દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા કે તે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે સહમત થઈ ગયું છે. દુબઈના અધિકારીઓએ ડાઉનટાઉન દુબઈમાં વિસ્ફોટોના દાવાઓને નકારી કાઢ્યા છે.
સેન્ટકોમે કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર સેનાએ ઈરાન પર સતત સાતમી રાત હુમલા કર્યા. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ દાવો કર્યો છે કે, છેલ્લા કેટલાક કલાકોની સરખામણીમાં અમેરિકાના હવાઈ હુમલા તેજ બન્યા છે. મધ્ય શહેર યઝ્દ અને દક્ષિણી શહેરો લાર, અહવાઝ, સિરિક, બુશહર, બંદર અબ્બાસ અને દરાબમાં ધમાકા થયા છે. કેશમ દ્વીપ પર પણ સતત બીજી રાત ધમાકા થયા છે. હોર્મોઝગાન પ્રાંતના સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે, અમેરિકી હવાઈ હુમલાઓમાં પ્રાંતના બે પુલો અને એક સુરંગને નિશાન બનાવવામાં આવ્યા. હોર્મોઝગાનના ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું કે, શનિવારે વહેલી સવારે પ્રાંતમાં ઘણી જગ્યાએ થયેલા હુમલાઓમાં ત્રણ લોકોના મોત થયા અને આઠ અન્ય ઘાયલ થયા.
આઈઆરજીસીનું કહેવું છે કે, બુશહર ઉપર એક એમક્યુ-9 ડ્રોનને ટ્રેક કરીને તોડી પાડવામાં આવ્યું. એટલું જ નહીં, ઉત્તરી હિંદ મહાસાગરમાં અમેરિકી જહાજને 'શોર-ટુ-સી' (તટથી સમુદ્રમાં પ્રહાર કરનારી) ક્રુઝ મિસાઈલથી નિશાન બનાવવામાં આવ્યું. આઈઆરજીસીએ બહેરીનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવાની પુષ્ટિ પણ કરી છે. આઈઆરજીસીએ દાવો કર્યો કે અમેરિકી સેના સમર્થિત ચાર જહાજોએ હોર્મુઝ જળસંધિમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો, જેને મિસાઈલ અને ડ્રોનના સંયુક્ત ઓપરેશન દરમિયાન ત્યાં જ રોકી દેવામાં આવ્યા. આ ઉપરાંત હોર્મુઝ જળસંધિના દક્ષિણમાં બારુદી સુરંગોવાળા રસ્તા પરથી પસાર થયા બાદ બે તેલ ટેન્કરોમાં ધમાકો થયો અને તેમાં આગ લાગી ગઈ.
તસ્નીમ અનુસાર, ઈરાનની સેનાએ કુવૈત અને જોર્ડનમાં ઘણા અમેરિકી સૈન્ય માળખાકીય સ્થળોને નિશાન બનાવીને ડ્રોન હુમલા કર્યા છે. આ સ્થળોમાં કેમ્પ ઉદૈરી (કુવૈત) દારૂગોળાનો ડેપો, અલી અલ સલેમ બેઝ (કુવૈત) મુખ્યાલયની ઇમારતો, દારૂગોળાનો ડેપો અને નજીકના જોડતા પુલ, મુવાફક સાલ્ટી, અલ અઝરાક એર બેઝ (જોર્ડન) અને સૈન્ય ઇંધણ ટેન્ક પર જોરદાર હુમલો કરવામાં આવ્યો છે. આ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા સૈયદ મોજેતબા ખામેનેઈના સિનિયર મિલિટરી એડવાઈઝર મોહસિન રેઝાઈએ ચેતવણી આપી કે, જો 14-સૂત્રીય કરાર તૂટ્યા પછી અમેરિકા ઈસ્લામિક રિપબ્લિક વિરુદ્ધ ચાલી રહેલા સંઘર્ષ અને સૈન્ય અભિયાનને ચાલુ રાખશે તો તેહરાન જવાબી હુમલાઓથી આગળ વધીને કાર્યવાહી કરશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ