નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વેપારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં
નવસારી, 20 જુલાઈ (હિ.સ.) : શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન જલાલપોર તાલુકામાં આશરે 8 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે નવસારી શહેરમાં 5 ઇંચ વરસાદ પડ્યો. વહેલી સવારથી વરસેલા વરસાદ
Navsari


નવસારી, 20 જુલાઈ (હિ.સ.) : શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન જલાલપોર તાલુકામાં આશરે 8 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે નવસારી શહેરમાં 5 ઇંચ વરસાદ પડ્યો. વહેલી સવારથી વરસેલા વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે નોકરી-ધંધે જતા લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઓછી વિઝિબિલિટીના કારણે અનેક વાહનચાલકોએ હેડલાઇટ ચાલુ રાખીને મુસાફરી કરવી પડી હતી.

શહેરના છાપરા રોડ, શાંતાદેવી રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયું હતું. તેના કારણે વેપારીઓના માલસામાનને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે ગટરોની સમયસર સફાઈ ન થતાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે દર વર્ષે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

સ્થાનિકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે વરસાદી ડ્રેનેજ અને ગટરોની યોગ્ય જાળવણીના અભાવે સ્થિતિ વધુ ગંભીર બની છે. અગાઉ મુખ્યમંત્રી દ્વારા પાણીના નિકાલ અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં સમસ્યામાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. રહીશોના મતે પ્રી-મોન્સૂન કામગીરી અસરકારક રીતે અમલમાં ન આવતાં શહેરમાં ફરી એકવાર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande