
પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : રાધનપુર શહેરમાં ચાર રસ્તાથી પટણી દરવાજા સુધી નિર્માણાધીન પેવર બ્લોક રોડનું કામ હજુ પૂર્ણ થયું નથી. તેમ છતાં રોડના એક ભાગ પર ભારે વાહન ચલાવી તેની ક્ષમતા (લોડ ટેસ્ટ) ચકાસવામાં આવી હોવાનું સામે આવતાં સ્થાનિકોમાં ચર્ચા અને સવાલો ઊભા થયા છે. લોકો પૂછે છે કે અધૂરા રોડ પર જ પરીક્ષણ શા માટે કરવામાં આવ્યું અને શું સમગ્ર રોડની ગુણવત્તાની પણ સમાન રીતે તપાસ થશે?
સ્થાનિકોનું કહેવું છે કે રોડનું સમગ્ર કામ પૂર્ણ થયા બાદ નિયમો મુજબ તમામ જરૂરી ગુણવત્તા પરીક્ષણો થવા જોઈએ. હાલ માત્ર એક ભાગની ચકાસણી થતાં કામગીરીની પારદર્શિતા અને પેવર બ્લોકની ગુણવત્તાને લઈને શંકાઓ વ્યક્ત થઈ રહી છે.
આ મામલે રાધનપુર નગરપાલિકાના એન્જિનિયર રમીલાબેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે સ્પષ્ટ જવાબ આપવાના બદલે ફોન કટ કરી દીધો હતો. હવે લોકો સત્તાવાર ટેસ્ટ રિપોર્ટ જાહેર કરવા અને સમગ્ર રોડની ગુણવત્તા અંગે નગરપાલિકા દ્વારા સ્પષ્ટતા કરવાની માંગ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ