
પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લા પંચાયત ખાતે આજે સાત સ્થાયી સમિતિઓના ચેરમેનોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. અગાઉ યોજાયેલી સામાન્ય સભામાં સમિતિઓના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી તથા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
નવા ચેરમેનોનું બુકે આપી અને મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું. વરાયેલા ચેરમેનોએ જિલ્લામાં બાકી રહેલા વિકાસના કાર્યો સૌને સાથે રાખીને ઝડપથી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વરાયેલા ચેરમેનોમાં સામાજિક ન્યાય સમિતિ માટે દક્ષાબેન અશોકભાઈ પરમાર (વામૈયા), મહિલા અને બાળ કલ્યાણ સમિતિ માટે જલાબેન રાજસીજી ઠાકોર (મેમદાવાદ), કારોબારી સમિતિ માટે પ્રહલાદભાઈ રામચંદભાઈ ઠાકોર (મેસર) અને સહકાર તથા સિંચાઈ સમિતિ માટે જાંતાબેન કરમણજી ઠાકોર (રોડા)ની વરણી કરવામાં આવી. તે ઉપરાંત શિક્ષણ સમિતિ માટે ધનીબેન વિક્રમજી ઠાકોર (ગોચનાદ), બાંધકામ સમિતિ માટે ભીખીબેન પ્રકાશભાઈ રાઠોડ (શંખેશ્વર) અને આરોગ્ય સમિતિ માટે હીનાબેન ભીખાભાઈ ચૌધરી (કોલીવાડા)ની સર્વાનુમતે ચેરમેન તરીકે વરણી કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ