

અમદાવાદ, 20 જુલાઇ (હિ.સ.) : કોકરોચ જનતા પાર્ટીના આંદોલનકારીઓને દિલ્હીના જંતર-મંતર ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં સોમવારે સંસદ ભવન નજીક પહોંચી ગયા હતા. પ્રદર્શનકારીઓએ સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ સંસદની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો.
સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા છે.
અમદાવાદમાં આજે 20 જુલાઈના યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ આંદોલનકારીઓ પાછળ લાકડીઓ લઈને દોડી હતી અને વિરોધ નોંધાવી રહેલી મહિલાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.
અમદાવાદના આશ્રમ રોડ ઉપર એમજે લાઈબ્રેરી બહાર પ્રદર્શનકારીઓએ મોદી હાય... હાય... અને આઝાદી હમ લેકે રહેંગે જેવા નારા પોકારતાં પરિસ્થિતિ વણસી હતી, જેના પગલે એક્શનમાં આવેલી પોલીસે વિરોધ કરનારાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી છે.
જયારે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં યુવાનો વિરોધ કરવા માટે એકત્રિત થયા છે.
જૂનાગઢ ખાતે અનુસૂચિત જાતિ સમાજના યુવાનોએ કલેક્ટર ઓફિસ બહાર આંદોલન શરૂ કર્યું છે. બીજી તરફ, ભાવનગરમાં કોંગ્રેસના નગરસેવક કિશન મેર અને તેમના સમર્થકો હાથમાં પોસ્ટરો સાથે ઘોઘા ગેઇટ ચોક સહિતના મુખ્ય બજાર વિસ્તારમાં રોડ પર ઉતર્યા છે.
સુરત કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા લોકોએ હાથમાં સોનમ વાંગચુકની તસ્વીરો પકડીને અને 'ઇન્કલાબ જિંદાબાદ' ના પ્રચંડ નારાઓ લગાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરત કલેક્ટર કચેરી ખાતે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 'ઇન્કલાબ જિંદાબાદ'ના નારાઓ સાથે પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી સમગ્ર ઘટનાની તટસ્થ તપાસની અપીલ કરી હતી, જેમાં એક સ્થાનિકે ભારતીય સંવિધાન સાથે 'કૉક્રોચ જનતા પાર્ટી' લખેલું ટીશર્ટ પહેરી અનોખી રીતે વિરોધ નોંધાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ