


પાટણ, 25 જુલાઈ (હિ.સ.)દિલ્હીમાં છેલ્લા 36 દિવસથી ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન બાદ શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું છે. વિદ્યાર્થીઓ લાંબા સમયથી રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આંદોલન દરમિયાન લાઠીચાર્જ સહિતની અનેક ઘટનાઓ છતાં વિદ્યાર્થીઓ પોતાના મુદ્દા પર અડગ રહ્યા હતા.
શિક્ષણ મંત્રીના રાજીનામાને વિદ્યાર્થી સંગઠનોએ પોતાની મોટી જીત ગણાવી છે. તેમના જણાવ્યા મુજબ આ આંદોલન NEET જેવી પરીક્ષાઓમાં પેપર લીક જેવી ઘટનાઓ અટકાવવા તેમજ વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટે કરવામાં આવ્યું હતું. રાજીનામા બાદ વિવિધ વિદ્યાર્થી સંગઠનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ નિર્ણયના સ્વાગતરૂપે પાટણ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ, શ્રવણજી ઠાકોર, શંકરજી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સૌએ આતશબાજી કરીને વિદ્યાર્થીઓના આંદોલનની સફળતાની ઉજવણી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ