

સુરત, 26 જુલાઈ (હિ.સ.) : કારગિલ વિજય દિવસ નિમિત્તે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ રવિવારે સુરતના કારગિલ ચોક ખાતે દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે પૂર્વ સૈનિકોનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કારગિલ વિજય દિવસ માત્ર ઐતિહાસિક વિજયની ઉજવણી નથી, પરંતુ ભારત માતાની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા વીર જવાનોના અદમ્ય શૌર્ય, અપરિમિત પરાક્રમ અને સર્વોચ્ચ બલિદાનને નમન કરવાનો પવિત્ર અવસર છે. દેશના સૈનિકોનું શૌર્ય અને દેશભક્તિ આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે.
ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં સુરત મહાનગર ભાજપા કાર્યાલયથી અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારો માટે તૈયાર કરવામાં આવેલી રાહત સામગ્રીની કિટો રવાના કરવામાં આવી હતી. સુરત મહાનગર ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા તૈયાર કરાયેલી આ કિટો પૂરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડવા માટે પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવી છે.
સુરત પ્રવાસ દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્માએ શહેરના વોર્ડ નંબર-14 ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'મન કી બાત' કાર્યક્રમના 136મા એપિસોડનું ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સામૂહિક શ્રવણ પણ કર્યું હતું.
કાર્યક્રમ બાદ તેમણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, મન કી બાત કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારતની યુવાશક્તિ, ખેલશક્તિ અને સામૂહિક જનશક્તિની પ્રેરણાદાયી સિદ્ધિઓ તેમજ સામાન્ય નાગરિકોના વિશિષ્ટ કાર્યોને સમગ્ર દેશ સમક્ષ રજૂ કરે છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપે છે.
આ કાર્યક્રમોમાં રાજ્ય સરકારના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ મુકેશભાઈ દલાલ, સુરતના મેયર માયાબેન માવાણી, સુરત શહેર ભાજપાના પદાધિકારીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે