
પાટણ, 26 જુલાઈ (હિ.સ.)ગાંધીનગર ઝોનના રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ બી. એમ. પટેલે, રાધનપુરની મુલાકાત લઈને ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સ્થાનિક ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ અને અધિકારીઓ સાથે બેઠક યોજી વરસાદી સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
નગરપાલિકાએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરી છે. મુખ્ય બજાર સહિત મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા છે, જ્યારે મસાલી રોડ વિસ્તારમાં હજુ પાણી નિકાલની કામગીરી ચાલુ છે.
R&B વિભાગ દ્વારા રસ્તો ઊંચો કરાતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. તેને દૂર કરવા રસ્તાનો એક ભાગ તોડીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. ભવિષ્યમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવવાનું પણ આયોજન વિચારાધીન છે.
પાણી નિકાલ બાદ સમગ્ર શહેરમાં સફાઈ અભિયાન અને રોગચાળો અટકાવવા દવાઓનો છંટકાવ કરવામાં આવશે. હવામાન વિભાગની વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા તંત્રને સતત સતર્ક રહી કામગીરી ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ