


કચ્છ, 26 જુલાઈ (હિ.સ.) : કચ્છના પત્રકારત્વના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના તરીકે આજે કચ્છ પત્રકાર સંગઠનની પ્રથમ લોકશાહી ચૂંટણી સફળતાપૂર્વક યોજાઈ હતી. પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ ભુજની વિરામ હોટલ ખાતે યોજાયેલા આ ચૂંટણી કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી પત્રકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી પ્રમુખપદને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને પ્રચારનો આજે મતદાન સાથે અંત આવ્યો હતો.
વરસાદી માહોલ હોવા છતાં કચ્છના અંતરિયાળ વિસ્તારોમાંથી પણ પત્રકારો વહેલી સવારથી ભુજ પહોંચ્યા હતા. કુલ 221 જેટલા નોંધાયેલા મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સંગઠનના ભવિષ્ય માટે લોકશાહી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પ્રમુખપદ માટે વિમલ મોતીરામ સોની અને બિમલ હરેશભાઈ માંકડ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલું મતદાન બપોરે 2:30 વાગ્યા સુધી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતું, જ્યારે ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
મતગણતરી પૂર્ણ થતાં વિમલ મોતીરામ સોનીને કુલ 123 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ ઉમેદવાર બિમલ હરેશભાઈ માંકડને 89 મત મળ્યા હતા. ઉપરાંત ત્રણ મત નોટામાં નોંધાયા હતા. આ રીતે વિમલ સોનીએ 34 મતની સરસાઈ સાથે પ્રમુખપદ પર વિજય મેળવી કચ્છ પત્રકાર સંગઠનના પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ તરીકે સ્થાન મેળવ્યું હતું.
ચૂંટણી દરમિયાન માત્ર પ્રમુખની પસંદગી જ નહીં પરંતુ સંગઠનના પ્રમુખનો કાર્યકાળ કેટલો હોવો જોઈએ તે મુદ્દે પણ અલગથી મતદાન કરાયું હતું. તેમાં એક વર્ષની મુદ્દતને સૌથી વધુ 131 મત મળ્યા હતા, જ્યારે ત્રણ વર્ષની મુદ્દતના પક્ષમાં 95 મત નોંધાયા હતા. ઉપરાંત કોઈ નિશ્ચિત મુદ્દત નહીં વિકલ્પને પણ 14 મત મળ્યા હતા. પરિણામે આગામી એક વર્ષ માટે નવા પ્રમુખને સંગઠનની જવાબદારી સોંપવાનો નિર્ણય બહુમતીથી સ્વીકારાયો હતો.
વિજય જાહેર થતાં જ સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વિરામ હોટલથી જ્યુબિલી સર્કલ સુધી ભવ્ય વિજય સરઘસ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પત્રકારો અને સમર્થકો જોડાયા હતા. વિજય બાદ વિમલ સોનીએ જણાવ્યું હતું કે તેઓ પત્રકારોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે અને વીમા સુરક્ષા, આરોગ્યલક્ષી સુવિધાઓ, સંગઠનનું કાયમી કાર્યાલય તેમજ પત્રકાર કલ્યાણ સંબંધિત વિવિધ યોજનાઓને અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ રહેશે. કચ્છમાં પ્રથમ વખત પત્રકારોના સંગઠનની રચના અને લોકશાહી ઢબે યોજાયેલી આ ચૂંટણીને પત્રકાર જગતમાં ઐતિહાસિક સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar