
મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ભારે વરસાદને કારણે પ્રભાવિત થયેલો કડી-કલ્યાણપુરા માર્ગ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ઝડપી સમારકામ બાદ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. વરસાદ દરમિયાન ઓવરટોપિંગની સ્થિતિ સર્જાતા વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ આ માર્ગ પરનો ટ્રાફિક તાત્કાલિક બંધ કર્યો હતો.
પૂરના પાણી ઓસર્યા બાદ માર્ગ અને મકાન વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને નુકસાનગ્રસ્ત સ્થળોએ યુદ્ધના ધોરણે મેટલ વર્ક દ્વારા મરામત કામગીરી હાથ ધરી હતી. આયોજનબદ્ધ કામગીરીના પરિણામે ખૂબ જ ઓછા સમયમાં માર્ગને ફરી વાહનવ્યવહાર લાયક બનાવી દેવાયો છે.
વિભાગે જણાવ્યું છે કે માર્ગ હવે તમામ પ્રકારના વાહનો માટે ખુલ્લો છે. મરામત પૂર્ણ થતાં કડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને અવરજવર માટે મોટી રાહત મળી છે.
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) મહેસાણાએ જણાવ્યું છે કે સમગ્ર ચોમાસા દરમિયાન માર્ગોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જ્યાં પણ વરસાદને કારણે માર્ગને નુકસાન થવાની શક્યતા કે નુકસાન જોવા મળશે ત્યાં તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરી સલામત અને સુગમ વાહનવ્યવહાર જાળવવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR