
મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે અસરગ્રસ્ત લોકોની મદદ માટે પોલીસ તંત્ર દ્વારા માનવતાભરી કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ કડી, બાવલુ, બહુચરાજી અને નંદાસણ પોલીસ સ્ટેશનની ટીમોએ પૂરથી પ્રભાવિત જરૂરિયાતમંદ પરિવારો સુધી રાહત સામગ્રી પહોંચાડી હતી.
રાહત કામગીરી દરમિયાન અસરગ્રસ્ત લોકોને તૈયાર જમવાનું, પીવાનું સ્વચ્છ પાણી તેમજ એક અઠવાડિયું ચાલે તેટલી રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી લોકોની જરૂરિયાતો જાણી તેમને તાત્કાલિક સહાય પૂરી પાડી હતી.
પોલીસ તંત્રએ જણાવ્યું છે કે આપત્તિના સમયમાં નાગરિકોની સુરક્ષા અને જરૂરી સહાય પહોંચાડવા માટે ટીમો સતત કાર્યરત છે અને જરૂરિયાત મુજબ રાહત કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR