
મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે સાબરમતી નદી પર આવેલા હીરપુરા બેરેજમાં પાણીની આવક વધતા તંત્ર દ્વારા બેરેજમાંથી વધારાનું પાણી છોડવાની તૈયારી કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઇજનેર, સુજલામ સુફલામ પેટા વિભાગ-3, વડનગરના જણાવ્યા મુજબ આજે બપોરે 14:00 થી 15:00 કલાક દરમિયાન જરૂરિયાત મુજબ પાણી છોડવામાં આવી શકે છે.
પ્રાપ્ત માહિતી મુજબ 23 જુલાઈથી શરૂ થયેલા વરસાદ બાદ હાલમાં હીરપુરા બેરેજમાં અંદાજે 900 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. બેરેજનું જળસ્તર નિયંત્રિત રાખવા અને સલામતીના હેતુસર વધારાનું પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે.
આ સંજોગોમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના હીરપુરા, ગણેશપુરા, જુનાસંઘપુર અને ધનપુરા તેમજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલ, સરોલી, ગેડ અને વાગપુર ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સંબંધિત મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને પણ જરૂરી તકેદારી રાખવા આદેશ આપવામાં આવ્યા છે.
વહીવટી તંત્રએ લોકોને નદીના પટમાં કે કિનારે અવરજવર ન કરવા, પશુઓને નદી તરફ ન લઈ જવા તેમજ માછીમારી, સ્નાન કે કપડાં ધોવા જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરી છે. નદીના પ્રવાહમાં અચાનક વધારો થવાની શક્યતા હોવાથી તમામ નાગરિકોને સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR