
સુરત, 26 જુલાઈ (હિ.સ.) : કારગિલ વિજય દિવસ નિમિત્તે સુરત જિલ્લા માજી સૈનિક સેવા મંડળ દ્વારા કારગિલ વિજયોત્સવ તથા વાર્ષિક સૈનિક સંમેલન સુરત જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. અમીધારા વાડી ખાતે કારગીલ દિવસની પૂર્વ યોજાયેલા કાર્યક્રમમાં કારગિલ યુદ્ધના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમજ ભારતીય સશસ્ત્ર દળોના શૌર્ય, પરાક્રમ અને અદમ્ય સાહસને બિરદાવીને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો, વીર નારીઓ, સૈનિક પરિવારો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા શહેરના અગ્રણી નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન દેશસેવામાં વિશિષ્ટ યોગદાન આપનાર પૂર્વ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને વધુ રંગત આપતા કન્ટ્રી સાઈડ ઇન્ટરનેશનલ સ્કૂલ અને પ્રેસિડેન્સી સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું.
મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, કારગિલ વિજય માત્ર લશ્કરી જીત નહીં પરંતુ ભારતના સૈનિકોના અદમ્ય મનોબળ, શિસ્ત, દેશભક્તિ અને સર્વોચ્ચ બલિદાનનું જીવંત પ્રતીક છે. તેમણે યુવા પેઢીને રાષ્ટ્રપ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને શિસ્તને જીવનમંત્ર બનાવવાનો સંદેશ આપ્યો હતો.
સુરત જિલ્લા માજી સૈનિક સેવા મંડળ દ્વારા પૂર્વ સૈનિકોના કલ્યાણ, તેમના પરિવારજનોના હિત તથા સમાજમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવા માટે સતત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
કાર્યક્રમના અંતે આયોજનમાં સહયોગ આપનાર મહેમાનો, દાતાઓ, સહયોગી સંસ્થાઓ, સ્વયંસેવકો અને ઉપસ્થિત તમામ પૂર્વ સૈનિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે