

સુરત/ગાંધીનગર, 26 જુલાઈ (હિ.સ.) : મોટા વરાછાના રામ ચોક ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કારગીલ વિજય દિવસ નિમિતે એક ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા વરાછા વિસ્તારમાં આપણા દેશની શાન અને અખંડ દેશભક્તિના પ્રતીક સમો ૧૦૦ ફૂટ ઊંચો ભવ્ય રાષ્ટ્રધ્વજ અત્રેના સુદામા ચોક નજીક રામ ચોક ખાતે સ્થાપિત કરવામાં આવ્યો હતો.
આ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે આ માત્ર એક ધ્વજની સ્થાપના નહિ, પરંતુ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, શૌર્ય અને આપણા ગૌરવશાળી ભારત પ્રત્યેની અવિચળ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. આ ઐતિહાસિક પહેલ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની ક્ષણ બની રહી છે. અને આવનારી પેઢીઓને દેશભક્તિની પ્રેરણા આપતી રહેશે.
આ ઐતિહાસિક અને રાષ્ટ્રીય ગૌરવથી ભરપૂર પળના સાક્ષી બનવા તેમજ કારગિલ વિજય દિવસના પાવન અવસર પર રવિવારની સવારે આવેલા સૌ નાગરિકો, વિદ્યાર્થીઓને, ભાઈઓ બહેનોને નાયબ મુખ્ય મંત્રીએ આભિનંદન પાઠવ્યા હતા.
રાષ્ટ્રધ્વજારોહણ બાદ હર્ષ સંઘવીએ તેમજ અન્ય મહાનુભાવોએ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરી ભારતના વીર શહીદોને પુષ્પોથી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોએ 'આવો, આપણે સૌ સાથે મળીને આપણા રામ ચોક ખાતે તિરંગાની શાનને વધુ બુલંદ કરીએ અને ભારત માતાના ગૌરવને વધારીએ' ના સંકલ્પ સાથે રાષ્ટ્રપ્રેમની અનોખી ઉજવણી કરી હતી.
આ સમગ્ર ઐતિહાસિક કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, એલ.એચ. ઝાલા, રાજદીપસિંહ નકુમ, કાનજીભાઈ ભાલાળા તેમજ મોટા વરાછા સ્થિત સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ