
સુરત, 26 જુલાઈ (હિ.સ.): સુરતમાં તૈયાર થયેલું લેબગ્રોન ડાયમંડથી બનેલું અનોખું કમળ 'કોસ્મિક બ્લૂમ' તાજેતરમાં સ્કાયરુટ એરોસ્પેસના 'વિક્રમ-1' રોકેટ સાથે અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે. સ્પેસમાંથી પ્રાપ્ત થયેલા ફૂટેજમાં પ્રકાશ પડતાં ડાયમંડની અદભુત ચમક અને કટિંગની ગુણવત્તા સ્પષ્ટ જોવા મળી હતી. આ કૃતિ માત્ર આભૂષણ નથી, પરંતુ સુરતના ડાયમંડ ઉદ્યોગ અને ભારતીય ટેકનોલોજીની કુશળતાનું પ્રતીક બની છે.
આ વિશેષ કમળમાં કુલ 32 પિયર-કટ લેબગ્રોન ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનું કુલ વજન 16.95 કેરેટ છે. તેની સાથે વિવિધ કદના અન્ય ડાયમંડ અને આશરે 11 ગ્રામ શુદ્ધ સોનાનો પણ ઉપયોગ થયો છે. સમગ્ર કૃતિની કિંમત રૂ. 10 લાખથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ડિઝાઇન માટેનો વિચાર અને ઓર્ડર 'કોસ્મોસ ડાયમંડ' કંપની તરફથી આપવામાં આવ્યો હતો, જ્યારે તેનું નિર્માણ સુરતની નિત્યા જેમ્સ એન્ડ જવેલરી લિમિટેડે કર્યું હતું.
આ માસ્ટરપીસ તૈયાર કરવા માટે 20થી વધુ કારીગરોએ લગભગ છ મહિના સુધી સતત મહેનત કરી હતી. રોકેટ લોન્ચિંગ દરમિયાન થતા ભારે કંપન, દબાણ અને તાપમાનને ધ્યાનમાં રાખીને દરેક ડાયમંડને ખાસ રીતે સોનામાં જડવામાં આવ્યો હતો અને સમગ્ર કૃતિને એરોસ્પેસ-ગ્રેડ એલ્યુમિનિયમ પ્લેટ પર સુરક્ષિત રીતે ફિટ કરવામાં આવી હતી, જેથી અંતરિક્ષ યાત્રા દરમિયાન તેની ગુણવત્તા જળવાઈ રહે.
કમળની ડિઝાઇન ભારતીય સંસ્કૃતિમાં પવિત્રતા, વિકાસ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી આ આકારને ખાસ પસંદ કરવામાં આવ્યો હતો. આ પહેલને વિશ્વના સ્પેસ ઇતિહાસમાં લેબગ્રોન ડાયમંડથી બનેલી કલાત્મક કૃતિના અનોખા ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે. આ સિદ્ધિથી સુરતને સ્પેસ ટેકનોલોજી અને હાઇ-ટેક ડાયમંડ એપ્લિકેશનના ક્ષેત્રમાં નવી ઓળખ મળવાની સાથે ભવિષ્યમાં અનેક નવી તકો સર્જાવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે