
સુરત, 26 જુલાઈ (હિ.સ.) : સુરત શહેરમાં ભારે વરસાદ અને પૂર બાદ જનજીવન પુન:સ્થાપિત કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી પાણી ઓસર્યા બાદ મેન્યુઅલ ટીમો અને અદ્યતન મશીનરીની મદદથી માર્ગો, જાહેર સ્થળો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરી શહેરને ઝડપથી સામાન્ય સ્થિતિમાં લાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
વાહનચાલકોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે રસ્તાઓની ઝડપી સાફસફાઈ, સ્ક્રેપિંગ તથા GSB ફિલિંગની કામગીરી તેમજ કચરાના નિકાલની કામગીરી સતત શરૂ છે. ભરત કેન્સર હોસ્પિટલ રોડ, સારોલી ગામ અને સણીયા ગામ વિસ્તાર તેમજ મીઠી ખાડી વિસ્તારમાં વરસાદીપાણી ઓસરતાં જ સફાઈ, કાદવ દૂર કરવાની અને માર્ગને અવરજવરલાયક બનાવવાની કામગીરી તાત્કાલિક હાથ ધરાઈ હતી.
ઉધના ઝોનમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં GRAB BUCKET મશીનની મદદથી સ્ટોર્મ વોટર ડ્રેનેજની સઘન સફાઈ કરી પાણીના પ્રવાહને સરળ બનાવવામાં આવ્યો હતો. પાણીના સરળ નિકાલમાં કોઈ અવરોધ ન રહે તે માટે સ્ટોર્મ ડ્રેનેજના ઝાળિયાંની તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં આવી છે.
લિંબાયત ઝોનમાં ડુંભાલ ફાયર સ્ટેશન વિસ્તાર તથા મીઠી ખાડી વિસ્તારમાં મ્યુ. કમિશનર એમ. નાગરાજને સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને સ્થાનિક નાગરિકો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી વરસાદી પાણીનો ઝડપી નિકાલ, સઘન સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા તેમજ નાગરિકોને ત્વરિત રાહત મળે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની સફાઈ, બ્રશિંગ તેમજ જંતુનાશક પાવડર અને દવાના છંટકાવની સઘન કામગીરી હાથ ધરી રોગચાળા નિવારણની સાથે શહેરીજનોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા આવી રહી છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત રીતે SMCના રિલીફ સેન્ટરોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યાં ભોજન, શુદ્ધ પીવાનું પાણી તેમજ અન્ય જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે મેડિકલ ટીમ દ્વારા સતત આરોગ્ય પરીક્ષણ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે