

પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : ક્ષત્રિય ઠાકોર સમાજ શિક્ષણ સમિતિ, સિદ્ધપુર દ્વારા સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી છઠ્ઠા વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ તથા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધોરણ 10, 12 (સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ), ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, એમ.એડ., વિવિધ ડિગ્રી કોર્સ તેમજ નર્સિંગ સહિતના અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પૂર્વ ચેરમેન નંદાજી ઠાકોર, ભામાશા મંગાજી ઠાકોર ડેર, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ સોલંકી, ઓબીસી વર્ગીકરણના કન્વીનર તારક ઠાકોર, ઠાકોર સેના પ્રમુખ જીબાજી ઠાકોર, સરકારી વકીલ મધુબેન ઠાકોર, ભાવિકાબેન તલાટી, ડૉ. પાયલ, ડૉ. રસ્મિન, સુરભા ડભોડા, કેવલજી ઠાકોર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા. સાથે જ શિક્ષણને સફળ જીવનનો પાયો ગણાવી વિદ્યાર્થીઓને સતત મહેનત અને સંઘર્ષ દ્વારા આગળ વધવા અપીલ કરી હતી.
સમારોહ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો અર્પણ કરી તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમનું સફળ સંચાલન સેજલ ઠાકોર અને અંતરબા ઠાકોરે કર્યું હતું. સમગ્ર આયોજન શિક્ષણ સમિતિના પ્રમુખ દિનેશજી કોટના માર્ગદર્શન હેઠળ બદ્સંગજી, લખાણભાઈ, મહેન્દ્રભાઈ તથા શિક્ષણ સમિતિના સભ્યોના સહયોગથી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર (બેચરાજી) તેમજ રામજીભાઈ તળેટી સહિત સમાજના આગેવાનો, કાર્યકરો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ