
સુરત, 26 જુલાઈ (હિ.સ.) : સુરત શહેરમાં વાહનચોરીના ગુનાઓને રોકવા માટે ચાલી રહેલી પોલીસની સઘન કામગીરી દરમિયાન ચોકબજાર પોલીસે બે રીઢા વાહનચોરોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ આઠ ચોરાયેલી મોટરસાયકલો કબ્જે કરી છે, જેની અંદાજિત કિંમત રૂ. 1.70 લાખ જેટલી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ કતારગામ, ડભોલી, ઉત્રાણ સહિત સુરતના વિવિધ વિસ્તારો ઉપરાંત બોટાદમાંથી પણ વાહનોની ચોરી કરી હતી.
ઘટનાની શરૂઆત કોઝવે રોડ નજીકથી ચોરાયેલી એક સ્પ્લેન્ડર બાઇકની ફરિયાદ બાદ થઈ હતી. તપાસ દરમિયાન સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે પોલીસે નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર ફરી રહેલા બે શખસોને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન બંનેએ ચોરીના ગુનાઓ કબૂલ્યા હતા. તેમની નિશાનદેહી પરથી જીલાણી બ્રિજ નીચે અલગ-અલગ સ્થળોએ સંતાડીને રાખવામાં આવેલી વધુ છ ચોરાયેલી બાઇકો પણ પોલીસે શોધી કાઢી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ મૂળ ભાવનગર જિલ્લાના રહેવાસી સુનિલ પ્રેમજીભાઈ આંબળિયા અને રાહુલ પ્રકાશભાઈ સોલંકી તરીકે થઈ છે, જે હાલ સુરતમાં રહેતા હતા. આ કાર્યવાહીથી ચોકબજાર, કતારગામ, સિંગણપોર-ડભોલી અને ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનેક વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે