

કચ્છ, 27 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છમાં પ્રોહિબિશન વિરોધી અભિયાન અંતર્ગત ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મચ્છુનગર રોડ વિસ્તારમાં શંકાસ્પદ ટેન્કરને અટકાવી તેની સઘન તપાસ કરતાં અંદર ખાસ તૈયાર કરાયેલા ગુપ્ત ખાનામાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર જથ્થો કબજે કરીને ટેન્કર ચાલકની ધરપકડ કરી છે, જ્યારે દારૂના સપ્લાય અને મંગાવવાની કડી સાથે સંકળાયેલા અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ રાજ્યમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન મળેલી વિશ્વસનીય માહિતીના આધારે મચ્છુનગર રોડ પરથી પસાર થઈ રહેલા ટેન્કરને રોકી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઓઇલ ભરવાના ભાગમાં અત્યંત ચાલાકીપૂર્વક બનાવવામાં આવેલા ગુપ્ત ખાનામાં દારૂની પેટીઓ સંતાડવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામ પેટીઓ બહાર કાઢી જથ્થો કબજે કર્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી અને ટેન્કર ચલાવી રહેલા મોટારામ પુનમારામ જાટની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો રાજસ્થાનમાંથી મોકલવામાં આવ્યો હોવાનું અને તેને મેઘપર બોરીચી વિસ્તારમાં પહોંચાડવાની યોજના હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પવનસિંહ મહેચ્છા, ચંદન ગુપ્તા અને રાહુલસિંહ જાડેજા નામના ત્રણ આરોપીઓની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
પોલીસે ટેન્કરમાંથી અલગ-અલગ બ્રાન્ડની 180 એમ.એલ.ની 456 પેટીઓ તેમજ રોયલ સ્ટેગ બ્રાન્ડની 375 એમ.એલ.ની 35 પેટીઓ મળી કુલ લાખો રૂપિયાનો વિદેશી દારૂ કબજે કર્યો છે. ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ટેન્કર અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 81,13,980નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પ્રોહિબિશન કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે દારૂની હેરાફેરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ સફળ કાર્યવાહીને પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસની અસરકારક કામગીરી તરીકે જોવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar