શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉનાના શિક્ષિકા જ્યોત્સ્ના પટોળિયા ‘ગુરુ ગૌરવ એવોર્ડ’થી સન્માનિત
સોમનાથ,28 જુલાઈ (હિ.સ.) આવતીકાલે ગુરુપૂર્ણિમાનો પાવન અવસર છે. આપણા શાસ્ત્રોમાં અને સંસ્કૃતિમાં આ દિવસે ગુરુનું પૂજન અને ગુરુએ પોતાના વિકાસમાં કરેલા પ્રદાનને બીરદાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શિષ્ય ગુરુ દ્વારા મળેલા જ્ઞાનવારસા
શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગો અને વિદ્યાર્થીઓના


સોમનાથ,28 જુલાઈ (હિ.સ.) આવતીકાલે ગુરુપૂર્ણિમાનો પાવન અવસર છે. આપણા શાસ્ત્રોમાં અને સંસ્કૃતિમાં આ દિવસે ગુરુનું પૂજન અને ગુરુએ પોતાના વિકાસમાં કરેલા પ્રદાનને બીરદાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શિષ્ય ગુરુ દ્વારા મળેલા જ્ઞાનવારસા પ્રત્યે પોતાનું ઋણ પૂજન-અર્ચન દ્વારા વ્યકત્ કરે છે.

શાસ્ત્રોમાં પણ આપણે ત્યાં ચાણક્યની ઉક્તિ ‘શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ’ જાણિતી છે. જેનો મતલબ જ છે કે, શિક્ષક એ અસિમ પ્રતિભા ધરાવે છે અને તે વિદ્યાર્થી સાથે સમાજનું પણ એકરીતે ઘડતર કરે છે.

શિક્ષકનો અર્થ ફક્ત અક્ષરજ્ઞાન આપે એ જ નથી પરંતુ પોતાના જીવનપથ પર કોઈપણ જગ્યાએ નવો વળાંક આપવા માટે જેને પણ માર્ગદર્શન કર્યું છે, કે શીખ આપી છે તે તમામ વ્યક્તિઓનું ગુરુ તરીકે અર્થ કરી શકાય. તેવો વિશેષ ભાવ તેમાં રહેલો છે.

ભારતની યુવાપેઢી આગામી ભારતનું ભવિષ્ય છે ત્યારે આ બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન થાય તે માટે શિક્ષકો અહમ ભૂમિકા ભજવે છે. સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આવા જ એક શિક્ષિકા જ્યોત્સના પટોળિયાનું તેમણે વિદ્યાર્થીઓ માટે કરેલા પ્રદાન માટે પોરબંદર સાંદિપની આશ્રમ ખાતે આદ્યાત્મિક ગુરુ એવા રમેશભાઈ ઓઝા ‘’ એ પ્રશસ્તિપત્ર દ્વારા સન્માન કર્યું હતું.

ટેક્નિકલ અને ઉચ્ચ શિક્ષણમંત્રી ત્રિકમ છાંગાની ઉપસ્થિતિમાં યોજાયેલા 'ગુરુ ગૌરવ એવોર્ડ' સમારંભમાં ગીર સોમનાથની આ શિક્ષિકાને તેમના શિક્ષણના યોગદાનને જાહેર સન્માનથી બીરદાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જ્યોત્સ્ના નાથાભાઈ પટોળિયા જોસી સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાની પી.એમ. પ્રાથમિક કુમારશાળા-1 ખાતે ઉપ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમણે શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે અનોખી સિદ્ધિની ભેટ રૂપે વર્ષ ૨૦૨૬નાં પ્રતિષ્ઠિત ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ એવોર્ડ ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ સંચાલિત સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર દ્વારા શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રેરણાદાયી કામગીરી કરનાર શિક્ષકોને એનાયત કરવામાં આવે છે. ભાગવતાચાર્ય રમેશ ઓઝાની પ્રેરણાથી વર્ષ 2010 થી યોજાતા આ એવોર્ડ દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાંથી એક શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, જ્યોત્સ્ના પટોળિયાએ શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગો, લોકસહકારથી શાળાની ઉચ્ચ પ્રગતિ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની આ સિદ્ધિ પાછળ પી.એમ.શ્રી પ્રાથમિક કુમાર શાળા-1 ઉના જી સોમનાથની અનોખી કાર્યશૈલી રહેલી છે.

શાળા પરિવારે શિક્ષણ, સેવા, સંસ્કાર અને સમાજ પરિવર્તનની અનોખી સફર ના ધ્યેય સાથે અનેરી સિદ્ધિઓ હાંસલ કરી છે. તે ઉપરાંત ઈનોવેશનમાં દર વર્ષે ભાગ લઈ નવીનીકરણનાં અનેક પ્રયોગો કરવામાં આવે છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટ - વેરાવળ - જુનાગઢ દ્વારા અનેક તાલીમોમાં MT તરીકે તજજ્ઞની કામગીરી ઉપરાંત દર વર્ષે રિસર્ચ પેપર પણ ડાયટમાં રજૂ કરવામાં આવ્યાં છે.

બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પડે તે માટે બાળવાર્તાઓ, અભિનય બાળગીતો, નાટકો દ્વારા શિક્ષણક્ષેત્રે તેમણે ગુણવત્તા સભર કામગીરી કરી છે. શિક્ષણ જગતમાં અનેરી કાર્યકુશળતાનાં પ્રેરક જ્યોત્સ્નાબેન પટોળિયાની સિદ્ધિ શિક્ષણ જગતનાં સાથી શિક્ષકો માટે પ્રેરણારૂપ બની છે.

આ ગૌરવશાળી પ્રસંગે પદ્મ પુરસ્કારથી સન્માનિત ડૉ. અનિલ ગુપ્તા, ડૉ. રતિલાલ બોરીસાગર, નાટ્યકાર ડૉ. વિજય સેવક, ગોરજ મુનિ સેવાશ્રમ ડૉ. વિક્રમ પટેલ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ટી. એસ. જોષી, સુરેન્દ્રનગર ડાયેટ પ્રાચાર્ય સી. ટી. ટુંડીયા અને શિક્ષણવિદ્ ગિજુભાઈ ભરાડ સહિત ખ્યાતનામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande