કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાંથી અલગ ‘ઝરી’ જૂથ ગ્રામ પંચાયત બનાવવા ગ્રામજનોની ઉગ્ર માંગ
છોટાઉદેપુર , 28 જુલાઈ (હિ.સ.) કદવાલ જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા ઝરી સહિતના વિસ્તારોને અલગ કરી એક સ્વતંત્ર ‘ઝરી જૂથ ગ્રામ પંચાયત’ બનાવવા માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી
આવેદનપત્ર


છોટાઉદેપુર , 28 જુલાઈ (હિ.સ.) કદવાલ જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા ઝરી સહિતના વિસ્તારોને અલગ કરી એક સ્વતંત્ર ‘ઝરી જૂથ ગ્રામ પંચાયત’ બનાવવા માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

વહીવટી સુવિધા અને ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે આ માંગણી લાંબા સમયથી ઉઠી રહી છે. હાલમાં ઝરી ગામ કદવાલ જૂથ ગ્રામ પંચાયત સાથે જોડાયેલું છે. આ વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ નોંધપાત્ર છે, જેમાં ઝરી ગામ માં 2248 ની વસ્તી, ભાભરમાં 917 ની વસ્તી અને કાલિકોઈ ગામમાં 384 ની વસ્તી ધરાવે છે. આ વિસ્તારો કદવાલ ગામથી અંતરની દ્રષ્ટિએ પણ દૂર આવેલા છે:

કદવાલ ગામથી ઝરીનું અંતર: 4 કિલોમીટર કાલિકોઈનું અંતર: ૩ કિલોમીટર અને ભાભરનું અંતર: 3 કિલોમીટર છે. જેના કારણે વહીવટ માં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવાનો વારોનવે છે.

ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે હાલની સંયુક્ત વ્યવસ્થાને કારણે વિકાસના કાર્યો, શાસકીય યોજનાઓનો સમયસર લાભ મળવો તથા સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગ્રામીણ સ્તરે પાયાગત સુવિધાઓના પ્રશ્નો લાંબા સમયથી વણઉકેલાયેલા રહે છે.

આ સમગ્ર વિભાજનની માંગણીને લઈને કદવાલ જૂથ ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ રૂજલીબેન રાઠવાએ પણ ગ્રામજનોના સુર માં સુર પુરાવ્યો છે. સરપંચ રૂજલીબેન રાઠવાના જણાવ્યા અનુસાર, ઝરી, ભાભર અને કાલિકોઈ ગામની વસ્તી તેમજ કદવાલ મુખ્ય મથકથી તેમનું અંતર ધ્યાને લેતા વહીવટી સરળતા માટે આ ગામો છૂટા પડે તે ખૂબ જ જરૂરી છે. વિશાળ વિસ્તાર અને મોટી વસ્તીના કારણે છેવાડાના વિસ્તારો સુધી વિકાસ કાર્યોનું યોગ્ય મોનિટરિંગ કરવામાં મુશ્કેલી પડે છે. જો 'ઝરી જૂથ પંચાયત' અલગ બને તો સ્થાનિક પ્રજાના પ્રશ્નો ત્યાં જ ઉકેલાઈ જશે અને વહીવટ વધુ મજબૂત બનશે.

ગ્રામજનોની મુખ્ય માંગ ઝરી, વડલી ભાભર અને કાલિકોઈ વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક વિકાસની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમને કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાંથી સંપૂર્ણપણે છૂટા પાડવામાં આવે. ત્યારબાદ આ તમામ વિસ્તારોને સમાવીને એક નવી અને સ્વતંત્ર ‘ઝરી જૂથ ગ્રામ પંચાયત’ જાહેર કરવામાં આવે તેવી ભારપૂર્વક માંગ કરવામાં આવી છે.

જો આ વિસ્તારને અલગ પંચાયતનો દરજ્જો મળે તો સ્થાનિક કક્ષાએ વિકાસના કાર્યો વધુ ઝડપથી અને અસરકારક રીતે થઈ શકશે તેમજ ગ્રામજનોને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે. આ મામલે વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.

કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાંથી અલગ ‘ઝરી’ જૂથ ગ્રામ પંચાયત બનાવવા ગ્રામજનો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande