સરકારી જમીન ફાળવણી હવે વધુ ઝડપી બનાવવા કલેક્ટર-ડીડીઓની સત્તામાં મોટો વધારો,ગાંધીનગરના ધક્કા ઘટશે
ગાંધીનગર,28 જુલાઇ (હિ.સ.) રાજ્યમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી જમીનની ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકાર
સરકારી જમીન ફાળવણી હવે વધુ ઝડપી બનાવવા કલેક્ટર-ડીડીઓની સત્તામાં મોટો વધારો,ગાંધીનગરના ધક્કા ઘટશે


ગાંધીનગર,28 જુલાઇ (હિ.સ.) રાજ્યમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી જમીનની ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO)ની નાણાકીય સત્તામર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રામીણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.ઓ.ની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

હવે અનેક પ્રકારની જમીન ફાળવણીના નિર્ણયો જિલ્લા કક્ષાએ જ લઈ શકાશે, જેના કારણે અરજદારો અને સંસ્થાઓને ગાંધીનગર સુધી વારંવાર આવવાની જરૂર નહીં પડે.

સરકારના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, જાહેર-સામાજિક હેતુઓ અને ગ્રામીણ વિકાસના પ્રોજેક્ટ્સને ઝડપી મંજૂરી મળી શકશે. સ્થાનિક કક્ષાએ જમીનનો રેકોર્ડ અને સ્થળની સ્થિતિ અંગેની માહિતી ઉપલબ્ધ હોવાથી નિર્ણય પ્રક્રિયા પણ ટૂંકી બનશે.

સરકારના આ નિર્ણયથી જમીન ફાળવણી સંબંધિત અનેક કામોનો નિકાલ હવે જિલ્લા કક્ષાએ જ થઈ શકશે. સ્થાનિક કક્ષાએ કલેક્ટર અને DDOને નિર્ણય લેવાની વધુ સત્તા મળતા અરજદાર સંસ્થાઓ અને સંબંધિત વિભાગોને પણ જિલ્લા કક્ષાએથી જ સરળતાથી ફોલોઅપ મળી રહેશે.

સરકારના મતે, સરકારી પ્રોજેક્ટ્સ તેમજ ઔદ્યોગિક અને સામાજિક હેતુઓ માટે જમીન ફાળવણી ઝડપથી થતાં વિકાસ કાર્યો અને રોજગારીને વેગ મળશે. સાથે જ સરકારી જમીનની કબજાકિંમત અથવા પ્રીમિયમની રકમ પણ ઝડપથી સરકારી તિજોરીમાં જમા થઈ શકશે.

રાજ્ય સરકારના બોર્ડ-કોર્પોરેશન અને ભારત સરકારના ખાતાઓને જમીન ફાળવણીના કિસ્સામાં કલેક્ટર દ્વારા ઈન્ટિમેશન જનરેટ કર્યા બાદ કબજાકિંમત અથવા પ્રીમિયમની રકમ 90 દિવસમાં ભરપાઈ ન થાય તો જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની ત્રણ વર્ષની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી મુદત વધારવાની સત્તા પણ કલેક્ટરને આપવામાં આવી છે. આ વ્યવસ્થાથી એક જ પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન અટકશે અને વહીવટી સમયનો બચાવ થશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande