મામલતદારે હોસ્ટેલની જગ્યાને સીલ મારેલ હોવા છતાં ગેરકાયદેસર પ્રવેશ કરી મહિલા હોસ્ટેલ ચલાવતા કનુ બારડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
ગીર સોમનાથ, 01 ઓગસ્ટ (હિ.સ.) : તાલાલા તાલુકાના ઘુસિયા ગામે સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી શિવમ ફાઉન્ડેશન દ્વારા મહિલા હોસ્ટેલનું સંચાલન કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા મામલતદાર, તાલાલા દ્વારા દબાણ સંબંધિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામ
મામલતદારે હોસ્ટેલની જગ્યાને સીલ મારેલ હોવા છતાં ગેરકાયદેસર પ્રવેશ કરી મહિલા હોસ્ટેલ ચલાવતા કનુ બારડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ


ગીર સોમનાથ, 01 ઓગસ્ટ (હિ.સ.) : તાલાલા તાલુકાના ઘુસિયા ગામે સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી શિવમ ફાઉન્ડેશન દ્વારા મહિલા હોસ્ટેલનું સંચાલન કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા મામલતદાર, તાલાલા દ્વારા દબાણ સંબંધિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સરકારી જમીન પર વાણિજ્યિક હેતુસર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સાબિત થતાં સંબંધિત સંચાલકને રૂ. ૨૨,૪૦૦/-નો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ ૧૫ દિવસની અંદર દબાણ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. હુકમનું પાલન ન થતાં પ્રાંત અધિકારી, વેરાવળ દ્વારા વધુ ૩ દિવસમાં કબજો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણ દૂર કરવામાં ન આવતાં તા. ૧૮/૧૦/૨૦૨૫ના રોજ ગેરકાયદેસર બાંધકામ ધરાવતી જગ્યાને સીલ કરી સરકારી કબજો સુરક્ષિત કરવામાં આવ્યો હતો.

તા. ૨૯/૦૭/૨૦૨૬ના રોજ કરવામાં આવેલી સ્થળ તપાસ દરમિયાન અગાઉ મારવામાં આવેલ સરકારી સીલ તોડી ગેરકાયદેસર રીતે સ્થળમાં પ્રવેશ કરી મહિલા હોસ્ટેલનું સંચાલન કરવામાં આવતું હોવાનું જણાયું હતું.

આ અંગે શિવમ ફાઉન્ડેશનના સંચાલક કનુ મુળુભાઈ બારડ વિરુદ્ધ તાલાલા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૨૩(એ) તથા ૩૨૯(૪) હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande