
અમરેલી, 01 ઓગસ્ટ (હિ.સ.
સાવરકુંડલાનું મહિલા અધ્યાપન મંદિર ફરી એકવાર વિદ્યાની ગુંજ સાથે ધમધમતું બન્યું છે. લાંબા સમય બાદ અહીં 150થી વધુ વિદ્યાર્થિનીઓના શિક્ષણ કાર્યનો પુનઃ પ્રારંભ થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલની સુવિધા પણ ફરી શરૂ કરવામાં આવતા દૂર-દરાજના વિસ્તારોમાંથી આવતી બહેનોને અભ્યાસ માટે મોટી રાહત મળી છે.
આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ મહિલા અધ્યાપન મંદિરની મુલાકાત લઈને સંસ્થાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે શિક્ષણ ક્ષેત્રે સંસ્થાના યોગદાનની પ્રશંસા કરી અને વિદ્યાર્થિનીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટે સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
સ્થાનિક આગેવાનો, શિક્ષકો અને વાલીઓએ પણ શિક્ષણ કાર્ય ફરી શરૂ થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપતું આ અધ્યાપન મંદિર ફરી સક્રિય બનતા સાવરકુંડલા સહિત સમગ્ર વિસ્તારની દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણના નવા અવસર ઊભા થયા છે. આ પહેલ મહિલાઓના શિક્ષણ અને સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai