ભુજમાં વરસાદે ખોલી રસ્તા વિકાસની હકીકત: ખાસરા ગ્રાઉન્ડ પાસે પડેલા વિશાળ ખાડામાં ફસાઈ કાર, તંત્ર સામે ઉઠ્યા ગંભીર સવાલ
કચ્છ, 01 ઓગસ્ટ (હિ.સ.) : ભુજ શહેરમાં ચોમાસાના વરસાદે માત્ર જનજીવનને જ અસર કરી નથી, પરંતુ શહેરના રસ્તાઓની ગુણવત્તા અને વિકાસકાર્યો અંગે પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તાજેતરમાં પડેલા વરસાદ બાદ શહેરના ખાસરા ગ્રાઉન્ડ વિસ્તાર નજીક મુખ્ય માર્ગ પર અચાનક
ભુજમાં વરસાદને પગલે રોડમાં ખાડા પડ્યા


ભુજમાં વરસાદને પગલે રોડમાં ખાડા પડ્યા


કચ્છ, 01 ઓગસ્ટ (હિ.સ.) : ભુજ શહેરમાં ચોમાસાના વરસાદે માત્ર જનજીવનને જ અસર કરી નથી, પરંતુ શહેરના રસ્તાઓની ગુણવત્તા અને વિકાસકાર્યો અંગે પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તાજેતરમાં પડેલા વરસાદ બાદ શહેરના ખાસરા ગ્રાઉન્ડ વિસ્તાર નજીક મુખ્ય માર્ગ પર અચાનક મોટો ખાડો પડી જતાં એક ફોર વ્હીલર કાર તેમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક અવરોધાયો હતો અને સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે વરસાદ પડતાં જ રોડનો એક ભાગ ધસી ગયો હતો, જેના કારણે માર્ગ પર જોખમી સ્થિતિ સર્જાઈ હતી. ખાડો દેખાતો ન હોવાથી પસાર થતી કાર સીધી તેમાં ઉતરી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે. ઘટના બાદ સ્થાનિકોએ વાહનને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

આ ઘટના પછી વિસ્તારમાંથી પસાર થતા અનેક વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને બે-વ્હીલર ચાલકો માટે આવા ખાડા જીવલેણ સાબિત થઈ શકે તેવી ચિંતા પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિક રહિશોનું કહેવું છે કે વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક રસ્તાઓ પર ખાડાઓ પડવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે, જે માર્ગ નિર્માણની ગુણવત્તા પર સીધો સવાલ ઉભો કરે છે.

નાગરિકોમાં એવી પણ ચર્ચા છે કે માર્ગોના નિર્માણ અને સમારકામ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં થોડા વરસાદમાં જ રસ્તાઓ તૂટી જતાં વિકાસકાર્યોની વાસ્તવિકતા સામે આવી રહી છે. લોકોનો આક્ષેપ છે કે જો સમયસર ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવી હોત તો આવી સ્થિતિ સર્જાત નહીં.

સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક અસરથી ખાડાનું સમારકામ કરવા, શહેરના અન્ય રસ્તાઓનું પણ સર્વેક્ષણ કરીને જોખમી સ્થળોને સુરક્ષિત બનાવવા અને માર્ગોની ગુણવત્તા અંગે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. ચોમાસાની ઋતુ હજુ બાકી હોવાથી સમયસર કાર્યવાહી નહીં થાય તો આવી ઘટનાઓમાં વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ભુજવાસીઓ હવે માત્ર તાત્કાલિક સમારકામ નહીં, પરંતુ ટકાઉ અને ગુણવત્તાયુક્ત રસ્તાઓની અપેક્ષા રાખી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande