
અમરેલી,, 01 ઓગસ્ટ (હિ.સ.)
શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળની પૂનમની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય મહેશ કસવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મંડળના હોદ્દેદારો, સભ્યો તથા આગેવાનો સાથે તાલુકાના વિવિધ સંગઠનાત્મક અને ગ્રામ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ધારાસભ્ય મહેશ કસવાલાએ ગ્રામ વિકાસ માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓનો લાભ ગામડાં સુધી પહોંચે તે માટે સૌના સહયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગામોના સર્વાંગી વિકાસ માટે સ્થાનિક સંસ્થાઓ, સમાજના આગેવાનો અને જનપ્રતિનિધિઓ વચ્ચે સંકલન જરૂરી છે. ગ્રામજનોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ અને વિકાસલક્ષી કાર્યોને ગતિ આપવા માટે સતત પ્રયાસ કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.
બેઠક દરમિયાન ગ્રામ વિકાસ, પાયાની સુવિધાઓ, ખેતી, શિક્ષણ, પીવાના પાણી, માર્ગ વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર સભ્યોએ પોતાના સૂચનો અને રજૂઆતો કરી હતી. મંડળના હોદ્દેદારોએ ધારાસભ્ય સમક્ષ સ્થાનિક પ્રશ્નો રજૂ કર્યા હતા, જેના યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.
બેઠક અંતે ગ્રામ સેવા મંડળ દ્વારા વિકાસલક્ષી કાર્યોમાં સૌના સહયોગથી આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai