
ગીર સોમનાથ, 01 ઓગસ્ટ (હિ.સ.) : સરકારી સહાયથી થતા લોકોપયોગી કાર્યો, લોકપ્રશ્નોના નિવારણ અને કોડિનાર વિધાનસભા મતવિસ્તારના વિકાસકાર્યોની ગતિ વધારવા શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ કોડિનાર નગરપાલિકા હૉલ અને ગીરગઢડા મામલતદાર કચેરી ખાતે વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજી હતી.
કોડિનાર વિધાનસભા મતવિસ્તારના વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજતા શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ શિક્ષણ, આંગણવાડી, આરોગ્ય, ગ્રામીણ રસ્તા, જાહેર પરિવહન સહિતના મુદ્દે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
મંત્રીએ સ્કૂલ અને આંગણવાડીઓમાં ભૌતિક અને માળખાકીય સુવિધાઓનો વ્યાપ વધારવા તેમજ મધ્યાહન ભોજનની નિયમિત ગુણવત્તા ચકાસણી, વિદ્યાર્થીઓને સમયસર સ્કોલરશિપ મળે એ સુનિશ્ચિત કરવા અને ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને અનુકૂળ શાળા સમયને અનુલક્ષીને બસની સુવિધાઓનો વ્યાપ વધારવા જણાવ્યું હતું.
મંત્રીએ તમામ વિભાગોને વોટર હાર્વેસ્ટિંગ માટે ગ્રાન્ટની જરૂરિયાત હોય તો સત્વરે જણાવવા તેમજ આગોતરા આયોજન થકી જનહિતલક્ષી કાર્યની ઝડપ વધારવા જણાવ્યું હતું.
મંત્રીએ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું અપગ્રેડેશન, નવા બાંધકામ અંગે માહિતી મેળવી હતી અને ભારે વરસાદની પરિસ્થિતિમાં સમયસર પૂરતી દવાઓ ઉપલબ્ધ થાય તેમજ એમ્બ્યુલન્સની સુવિધા અને સ્ટાફની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
બાકી રહેલા પ્રગતિ કામની સમીક્ષા કરતા મંત્રીએ કોડિનાર વિધાનસભા મતવિસ્તારના રસ્તાઓનું રીસરફેસિંગ, રોણાજ ચોકડી પર થતી ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે, અકસ્માત નિવારણ માટે સ્પીડ બ્રેકરની વ્યવસ્થા ગોઠવવા, કોડીનાર સમગ્ર બાયપાસના રોડ-રસ્તામાં લાઈટ તેમજ વૃક્ષારોપણ કામગીરી, વાડી-ખેતરના સિંગલ અને થ્રી ફેઝ કનેક્શન વગર વિલંબે મળી જાય એ સુનિશ્ચિત કરવા અને બાકી રહેતા વીજ કનેક્શનની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એ માટે ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા કરવામાં આવેલી કાર્યવાહી, બાકી રહેતા કામોની સત્વરે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવા, જ્યાં જરૂર પડે ત્યાં દબાણ દૂર કરવા તેમજ નાગરિકલક્ષી કામોને અગ્રતા આપવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું.
હવામાન વિભાગની આગાહીને અનુલક્ષી અને ભારે વરસાદની સ્થિતિમાં ડિઝાસ્ટર અંતર્ગત સજ્જતા, ભયજનક હોર્ડિંગ્સ ઉતારવા, લોકોનું વાડી વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં સ્થળાંતર સુનિશ્ચિત કરવા અને સાઈકલોન સેન્ટરની વ્યવસ્થાઓ અને સ્થળાંતરની પરિસ્થિતિ ઉદભવે તો આગોતરી તૈયારીઓ વિશે મંત્રીએ માહિતી મેળવી હતી.
ઉપરાંત, મંત્રીએ ગીરગઢડા ખાતે કાર્યાન્વિત થયેલા નવા કાર્યાલયમાં સ્થાનિક નાગરિકોની રજૂઆત અને પડતર માગણીઓનું નિરાકરણ આવે એ દિશામાં હકારાત્મક કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ પરસ્પર એકબીજા વિભાગ સાથે સંકલન સાધી અને લોકહીતલક્ષી કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય એ દિશામા કામગીરી કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં કોડિનાર નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત શિક્ષણ, માર્ગ અને મકાન વિભાગ, પી.જી.વી.સી.એલ, પાણી પુરવઠા વિભાગ, એસ.ટી., ફોરેસ્ટ વિભાગ, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ, બી.આર.સી. તેમજ સી.આર.સી કો-ઓર્ડીનેટર, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ